આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨

મહારાજની રજા લેઈ આવ્યો હશે એમ કલ્પી તે ગોળી જે દિશામાંથી નીકળી હતી તેણી પાસ કુમારે ઘોડો દોડાવ્યો. કેટલાક છેટા સુધી ઘોડો દોડ્યો એટલે સુભદ્રા આવી. નદીના તીર આગળ એક રમણીય સ્થળે વચ્ચે જરાક ઉંચો કાંઠો હતો અને આસપાસ દશબાર ઝાડો હતાં. આ ઝાડોમાંનાં કેટલાંકની શાખાઓ નદીના પાણી ઉપર લટકી નદીમાં ઝબકોળાતી હતી અને પવનથી હાલતી હતી ત્યારે શીકરબિન્દુનો વર્ષાદ વર્ષાવતી હતી. આ ઝાડની ઘટામાં છાયા પણ ઘાડી હતી અને શાખાઓમાંથી સરતા પવન અને ખરતી શીકરવૃષ્ટિથી આ પ્રદેશની શીતળતા અત્યંત વધી હતી અને આ ગ્રીષ્મકાળમાં સુખ અને શાંતિ આપે એવી હતી. આ ઘટામાં જતાં માણસનાં પગલાં પડેલાં દેખાયાં. તે પગલાંની દિશામાં મણિરાજ ચાલ્યો. ઘટા છેક પાસે આવી ત્યાં ઘોડો ચાલે એમ ન હતું એટલે મણિરાજ ઘોડો દોરતો દેારતો પગે ચાલવા લાગ્યો. કોઈ શીકારી શૂર પુરુષ આ સ્થળે હોય તો તેણે જોડા પ્‍હેરેલા હોવા જોઈએ – પણ પગલાં તો ઉઘાડા પગનાં હતાં એટલું જ નહી, પણ જેટલાં પગલાં જોયાં એટલાં બધાં ન્હાનાં ન્‍હાનાં- છોકરાઓના અથવા સ્ત્રીઓના પગનાં-પગલાં હતાં. મણિરાજનું કૌતુક ઘણું આકર્ષાયું. આ સ્થળે સ્ત્રીઓ ક્યાંથી હોય? છોકરા હોય તો ઉઘાડે પગે ક્યાંથી હોય? ઘણોક વિચાર કરી ઘોડાને એક ઝાડે બાંધી, પોતે ઝાડોમાં પેસેછે તો ત્રણ ચાર યુવતિઓ દીઠી. તેમાં એક અગ્રેસર સર્વથી શ્રેષ્ઠ મુગ્ધા પંદર સોળ વર્ષની હતી અને બાકીની સ્ત્રીએ એનાથી મ્‍હોટી સખીકૃત્ય અથવા દાસીકૃત્ય કરતી લાગી.

“રત્ની, મને થાક લાગ્યો છે – ચાલો, આપણે સઉ નદીમાં પગ બોળી બેસીયેઃ ” મુગ્ધ યુવતિ બોલી.

“કમળાબા, પાણીમાં મગર હશે તો ?”

“હશે તો જોઈ લેઈશું. ચાલો તો ખરાં – વારુ, પેલાં ફુલ સાથે લેજે: ” કમળા બોલી.

સર્વ યુવતિઓ નદીમાં પગ બોળી બેઠી. મણિરાજને આ લીલા જોવાનું મન થયું. તેને યુવાવસ્થાનો પવન વાયો હતો પણ તેનું મન દૃઢ હતું અને અત્યાર સુધી મન્મથના વિકારને તેણે ઉગવા દીધો ન હતો. પરંતુ સ્ત્રીઓ સાથે સંભાષણ કરવું ન પડે અને આ સ્થળે આ સ્ત્રીઓ કોણ હશે એ જણાય એટલા કારણથી ઉઘડેલી જિજ્ઞાસામાં સ્ત્રીઓની વિશ્રમ્ભકથાએ અાજ કાંઈક અપૂર્વ કૌતુક રેડ્યું.