આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

બાળક છે પણ શી એમની બુદ્ધિ, શો એમનો અનુભવ, અને શી એમની રાજનીતિ !”

“મહારાજને અંહી કોઈ પ્રસંગે આવવું થાય છે ?”

“તો ! આ સ્થાન એવું રમણીય છે કે મહારાજ વર્ષે બે વર્ષે ચૈત્ર વૈશાખમાં અત્રે આવ્યા વિના ર્‌હેતા નથી. આ એકેએક શ્રૃંગ ઉપરના પંથવાળા ઉપર એમની દૃષ્ટિ છે. અમારા તેમ સર્વ પંથના ગુરુ પુરુષો વર્ષમાં એક સમય પણ મહારાજને રત્નનગરી જઈ મળ્યા શીવાય ર્‌હેવાના નહી. જયારે અમારા ગુરુજી ત્યાં જાય છે ત્યારે મહારાજ જાતે દર્શનનો લાભ આપે છે અને ગુરુજીની પાસે કાંઈક પણ નવું રહસ્ય યાચી લે છે. ગુરુજીનો આશીર્વાદ મહારાજને પ્રિય છે. જે ધર્મ શાંતિ અને નીતિના પંથ શીખવે અને પળાવે તે ધર્મ ઉપર મહારાજનો પક્ષપાત. જેમ શ્રીકૃષ્ણ સર્વ ગોપીયોના હૃદયમાં બીરાજે તેમ સર્વ પંથના આચાર્યોના હૃદયમાં મણિરાજની આણ ખરી.”

“તમારા પંથને મહારાજ માને છે ?”

“એ તો એમના કુલધર્મને અનુસરે છે એમાં અમે દોષ કેમ ક્‌હાડીયે ? स्वधर्मे निधनं श्रेय [૧]એવું ભગવદ્વાક્ય છે. જેનો જે ધર્મ. રાજનો એક ધર્મ એ કે સર્વ ધર્મનું પ્રતિપાલન કરવું.”

રાધેદાસની વાતોમાં સરસ્વતીચંદ્રને મન ગંભીર અર્થ હતો. રાજનીતિનાં અનેક અંગ હોય છે. તેમાં એક કાર્ય – અંગ અને એક યશ - અંગ. કાર્યને અંગે લોકની પ્રીતિ-અપ્રીતિ વેઠવી પડે છે અને રાજા તો સર્વનું પ્રીતિભાજન હોવું જોઇએ. માટે કાર્ય-અંગ કારભારીને આપવું અને યશ-અંગ રાજાએ રાખવું. પ્રધાનવિવર્તના કરતાં રાજવિવર્તમાં અનેકધા હાનિ અને કષ્ટ છે, અને કાર્ય-અંગના વ્‌હેનારને લોકની અપ્રીતિના પ્રસંગ આવશ્યક સ્વીકારવા પડે છે અને એ સ્વીકારથી પદવીવિવર્તના પ્રસંગ સારુ તૈયાર ર્‌હેવું પડે છે. માટે સુભક્ત પ્રધાને કાર્ય-અંગ પોતાના જ શિર ઉપર રાખવું અને યશ-અંગ રાજાને જ આપવું. જેમ યોદ્ધાઓએ યુદ્ધમાં મરણ સ્વીકારવા તૈયાર ર્‌હેવાનું છે તેમ પ્રધાને કાર્ય-અંગના પરિણામ સારુ તૈયાર ર્‌હેવાનું છે. પોતાનું માથું આપી રાજાના યશ-અંગનું રક્ષણ કરવું એ પ્રધાનનો 'પ્રધાનધર્મ' છે. પ્રધાને કાર્ય સાધવું અને રાજાને યશ પ્રાપ્ત કરાવવો. આ યશ એટલે રાજાની સ્તુતિ પ્રવર્તે એટલું જ નહી, પણ રાજા ઉપર સર્વની પ્રીતિ થાય એ આ યશ-અંગનું સાધ્ય છે. જેમ કેટલાંક સામાન્ય વ્યાપારકાર્યમાં અને ગૃહકાર્યમાં .


  1. ૧. સ્વધર્મમાં મૃત્યુ થાય તે પણ કલ્યાણરૂપ છે.