આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮

એક બાજુએ ઉભો અને પિતાના મુખ સામું જોઈ રહ્યો. એવામાં સામંત, જરાશંકર અને વિદ્યાચતુર આવ્યા.

રાજાએ સામંતને પોતાની પાસે આવવા સાન કરી અને સામંતે કાન ધર્યો એટલે વૃદ્ધ રાજા ધીમે ધીમે બોલ્યો: “ભાઈ મ્હારી રાજ્યનીતિ તું જાણે છે. મણિરાજની સંભાળ રાખજે અને મુળુ ત્હારું ઠેકાણું સાચવે એમ કરજે. હું હવે જવાનો-વિદ્યાચતુરને મોકલ.”

સામંતની આંખમાં આંસુ ઉભરાઈ ગયાં અને રંક સ્વરે બોલ્યોઃ “મહારાજ, કોઈ જાતની ચિંતા કરશો નહી. રાજ્ય, પ્રધાન અને પ્રજા સર્વની અને મણિરાજની કોઈની ફીકર કરશો નહીં. વિદ્યાચતુર, મહારાજ બોલાવે.”

વિદ્યાચતુર રાજા પાસે જાય છે એટલામાં સામંત મનમાં બોલ્યોઃ “અરેરે, કેવા મહાત્મા ! દુષ્ટ મુળુ ઉપર અંતકાળે પણ કૃપા ! મહારાજ, અંતકાળ સુધી આપ કૃપાને મુકવાના નથી ને મુળુ દુષ્ટતાને મુકવાનો નથી ! મહાત્માનો ઈશ્વરને ખપ છે ને આ દુષ્ટ મરતો મરતો જીવે છે ! એ દુષ્ટ હજી શું કામ નહી કરે? હરિ ! હરિ ! એને મ્હેં ક્યાં જન્મ આપ્યો?” સામંત ગભરાઈ ગયો ને રોતો ગયો.

વિદ્યાચતુરે કાન ધર્યો અને મલ્લરાજે કાનમાં કહ્યું: “વિદ્યાચતુર, “તમને સોંપેલી વાડીનું એક પણ ઝાડ કરમાય નહીં – જો જો - તમને ઝાડની પેઠે ઉછેરેલા છે – ભુલશો નહીં - મરતી વખત વધારે શું કહું? - હું કરમાઈ જાઉં છું – ઈંગ્રેજનો સમો છે - મ્હેં એમને સ્વીકાર્યા છે - મને કંઈ સુઝતું નથી.”

વિદ્યાચતુર ધીમેથી બોલ્યોઃ “મહારાજ, આ શરીર અને બુદ્ધિ આપનાં છે – આપનો આત્મા અમર ર્‌હેશે અને આપની પાછળ અને આપની જોડે સત્કર્મ જ છે.”

મણિરાજને સાન કરતાં એ પાસે આવ્યો.

મલ્લરાજ બોલ્યોઃ “મણિરાજ, રાજ્યના શત્રુઓની ખટપટમાં રાજય નિષ્કંટક કરવામાં – પ્રજાનો વિચાર મ્હારાથી નથી થયો, હું તમને નિષ્કંટક રાજ્ય સોંપી જાઉ છું – પણ તમે હવે આ રંક પ્રજાના કલ્યાણનો વિચાર કરજો – હોં. પ્રજા રંક છે – બોલતી નથી – પણ મ્હેં એને સારું કંઈ થયું નથી – તમે ભુલશો નહી – પ્રજા... મણિરાજ, અન્ન પાન અને શરીર ત્યજી પ્રજાને જાળવજે. પ્રજા તમને ભાળવું છું...