આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬


“સીતાજી અયોધ્યા પહોંચ્યાં તે પછી ત્રણે જણ પોતાને દેશ જવાને માટે સીતાજીની રજા લેવા ગયા ત્યારે તેમણે તેમને આશીર્વાદ દીધો કે તમે દૈવી સંપત્તિના અવતાર છો અને આ યુગમાં ધર્મસેતુ બાંધી તમે ધર્મનો વિજય પ્રવર્તાવ્યો છે માટે કળિયુગમાં તમે મનુષ્યરૂપે અવતાર પામજો અને મ્હારી ભૂમિમાં બીજું રામરાજ્ય કરજો.”

“મણિરાજ ! કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણ રીંછકન્યા જામ્બુવતીને પરણ્યા અને અર્જુનના રથ ઉપરે કપિધ્વજ હતો. જ્યાં જ્યાં કપિધ્વજ ઉડ્યો છે ત્યાં ધર્મ અને વિજય પ્રવર્ત્યા છે અને શ્રીકૃષ્ણ એ કપિકેતન રથનું સારથિપણું કર્યું છે.”

"મણિરાજ ! ભવિષ્ય જાણનારાઓ વર્તારો કરી ગયા હતા કે કળિમાં તામ્રમુખ લોક રાજ્ય કરશે. સીતાજીનો આશીર્વાદ અને આ વર્તારો સાથે લાગા ફળ્યા છે. એ જ વર્તારાથી એને એ જ આશીર્વાદથી ઈંગ્રેજ લોક આજ રાજ્ય કરે છે. સુગ્રીવજીની સેનાના વાનરો ઈન્દ્રાદિક દેવતાઓનો અવતાર હતા અને તે જ દેવોનાં અંશ આજના ઈંગ્રેજોના દેહમાં છે.”

“મણિરાજ ! મ્‍હેં એમને શાથી ઓળખ્યા? જુવો! આપણી ભૂમિના આપણા લોકના હાથમાં સત્તા આવી ત્યાં પરસ્પર વિગ્રહનો અને અધર્મનો યુગ ઉભો થયો એને રાવણનાં દશ માથાં જેવાં હજારો અધર્મી અને ભયંકર માથાં આ ભૂમિમાં ડોલવા લાગ્યાં ! એ રાવણનાં રાવણાઓથી આ રંક ભૂમિ રાત્રિ દિવસ ધ્રુજી રહી ! મણિરાજ ! તમે એ કાળ જોયલો નહીં, પણ મ્‍હેં અનેકધા પ્રત્યક્ષ કરેલો ! એ રાવણોનાં માથાં ઉપર સીતાજીનાં માનીતા રીંછ અને વાનર મ્‍હેં દીઠા.”

“મણિરાજ ! રાજા વગરના રાજ્યકર્તાએ કંઈ દીઠા છે? વ્યાપાર કરતાં કરતાં રાજ્યકર્તા થઈ ગયલી જાત મ્‍હેં દીઠી ! કોણ રામ ને કોણ સુગ્રીવ? એકલા પડેલા આથડતા રામનું કામ કરવા રીંછ અને વાનર દોડ્યાં? આ ભૂમિમાં એકલા પડેલા આથડતા ધર્મનું કામ કરવા એ વ્યાપારીયો દોડ્યા !”

“મણિરાજ! સામંત તમને અવળું સમજાવશે. પણ તે માનશો માં હજાર માથાંનો રાવણ આ નવા વાનરોએ અને રીંછોએ હણ્યો છે અને રામરાજ્ય પ્રવર્તાવ્યું ! ”