આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫

શંકરથી ન થયું તે કામ મ્હેં કર્યું હે મિત્રહત્યા કરી – પણ દુષ્ટ મિત્રની હત્યા કરી, તે શા સારુ ? કુમુદસુંદરી છેક ન્હાની હતી ત્યારે મ્હેં એને મ્હારી પુત્રી પેઠે એક દીવસ રમાડી હતી. કોઈ જાણતું નથી - ગુણસુંદરી પણ જાણતાં નહી હોય - પણ તેમના ઉપર એ દિવસે મ્હારી દૃષ્ટિ બગડી હતી. તેનું પણ પ્રાયશ્ચિત્ત બાકી હતું. આ બગડેલી દૃષ્ટિ સુધારનાર પળવારનો સંગી એક બ્રાહ્મણ હતો — તો બીજા બ્રાહ્મણ પ્રધાનજીનો કંઈક વધારે સંગ થશે તો બુદ્ધિ વધારે સુધરશે, આ પ્રાયશ્ચિત્ત કરવાને આ બુદ્ધિ સુધારવા મ્હારી પુત્રી જેવાં કુમુદબ્હેનના શત્રુને હણી મ્હેં મિત્રહત્યા કરી છે. હવે મ્હારે આ સંસારમાં કાંઈ વાસના નથી.”

સર્વે બોલી સામંતપત્ની સામું જોઈ મધુમક્ષિકા બોલીઃ “ઠકરાળાં, મહારાજે ક્‌હાવ્યું છે કે તમે સત્વર સામંતરાજ પાસે હાજર થજો અને રાણીજીને સાથે રાખજો, કારણ સામંતરાજ રાણીજીનું નામ પણ ઝંખે છે. રાણાજીને મહારાજે ક્‌હાવ્યું છે કે સામંતરાજ આપણે પિતાને સ્થાને છે તો તેની પાસે મર્યાદાની જરુર નથી અને તેમની છેલી વાસના પુરી કરવી અને એમનો આશીર્વાદ લેવો એ આપણો ધર્મ છે માટે માતાજીની અનુજ્ઞા લેઈ ઠકરાળાં સાથે આવવું.”

મેના – “બેટા કમળા, રાજપતિની આજ્ઞા અતિ યોગ્ય છે અને તે બહુ ઉત્સાહથી પાળવા તમે સત્વર જાવ. સામંતરાજને મ્હારા ભણીથી બે વાત ક્‌હેજો. પ્હેલું એ ક્‌હેજો કે શંકરરૂપ મહારાજ ગયા પછી હું નકામી થઈ જીવું છું અને બાળક મણિરાજને તેમણે તમને સોંપેલા અને એ બાળકને તમારી ઢાલ છે તે તમારે જવા કાળ આવ્યો એવો વિપર્યય ઈશ્વરને ગમે છે તો તેની બુદ્ધિ આપણાથી અગમ્ય છે. પણ બીજી વાત એ છે કે હવે તમારા વિના મણિરાજ એકલા પડશે તેની પાસે તમારું કામ સારવા મૂળરાજને અધિકાર આપો, અને હવે પરદેશમાં આથડી, અનુભવથી ઘડાઈ તે રાજયભક્ત થયો છે તો સત્કાર્યમાં શંકા ન કરશો. બાકી ઘડી અધઘડીમાં પ્રભુનું તેડું આવશે એટલે તમે હશો ત્યાં મ્હારે પણ આવવું જ છે.”

સઉ ઉઠ્યાં, વેરાયાં, ચાલ્યાં. સઉની પાછળ કુસુમ આરજાની સાથે વાતો કરતી ચાલતી હતી.

થોડેક છેટે આગળ સુન્દરગિરિની એક ગોસાંઈયણ પણ ચાલતી હતી.