આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦

મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા.

“કુમુદ ! કુમુદ ! ત્હારું ભાગ્ય વિચારું છું ત્યારે લોકની પેઠે છઠ્ઠીના લેખ માનવા ઉપર શ્રદ્ધા થાય છે. તું સુખને માટે સરજાયલી જ નથી. વિદ્વાન વર શોધ્યો તે નકામું પડ્યું; કુલીન અને સુશીલ વર શોધ્યો તેણે ભુંડું કર્યું. તું જ્યાં ગઈ ત્યાં ત્હારા મ્હોંમાં આવેલી સાકર દૈવે ઝુંટી લીધી, અને આખરે બ્હારવટીયામાંથી બચેલી તે નદીમાં ગઈ.”

“હું તો ધારું છું કે તું ગઈ જ ! ત્હારી આશા રાખવી તે હવે હવાતીયાં મારવા જેવી છે. ત્હારી માને દુ:ખ થાય છે અને તે રુવે છે - પણ હું પુરુષ છું “ અને રાજનીતિના વિષમપ્રસંગોએ પત્થર જેવું કરેલું મ્હારું કાળજું આંખમાં આંસુ સરખું આણી શકતું નથી ! બીચારી માલતીને કામન્દકીએ ક્‌હેલું વચન ખરું છે.–

कुतोऽपत्यस्नेहः कुटिलनयनिष्णातमनसाम् ॥

“વક્ર રાજનીતિમાં ઝબકોળાએલાં મનને અપત્યસ્નેહનો પાશ બેસતો જ નથી ! - ના, ના, એમ પણ છેક નથી.”

“જો-જો-જો પ્રમાદધન અને કુમુદ એ બે જણ ગુજર્યા હોય તો વિચારમાત્ર સમાપ્ત જ છે, જે કુમુદ એકલી ગુજરી ગઈ હોય તો પણ મ્હારે મન એ સંસાર સમાપ્ત જ છે. જો પ્રમાદ અને કુમુદ બે જીવતાં નીકળે - તો - આ દુર્ભાગ્યમાંથી બીચારીનું ભાગ્ય કેમ ઉત્પન્ન કરવું - એ સમુદ્રમાં કેમ તરવું – એનો વિચાર હું કન્યાનો બાપ તે શો કરું ? મ્હેં તો એને વિદ્યા આપી અને એ હોડીવડે એ કન્યાને તરતાં આવડે એટલું એનું ભાગ્ય વર શોધતી વેળા માબાપથી થયેલી ભુલનું પરિણામ ખમે કન્યા, અને આઘેથી જુવે ને રુવે માબાપ – આટલા માટે જ લોક કન્યા ઇચ્છતા નથી. – હા - પણ સૌભાગ્યદેવી અને બુદ્ધિધન જેવાં સાસુસસરો આયુષ્યમાન છે ત્યાં સુધી કુમુદની ચિંતાનો પ્રસંગ જ નથી.”

“પણ - પ્રમાદધનની વાત ખરી હોય - અને - કુમુદ જીવતી નીકળે તો ? – પુત્રીનું વૈધવ્યદુઃખ કેમ સહવાશે ? શું મ્હારી કુમુદ વિધવા ?–”

આ વિચારની સાથે જ મન ચીરાયું. “ કુમુદ તું – વિધવા ! – કુમુદ ! – તું વિધવા ! ”

“હરિ ! હરિ ! ઓ પ્રભુ !” - “ ઈશ્વર મ્હારા સામું એટલું નહી જુવે ?”