આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨

“કુમુદ ! ત્હારે માટે હું આ માર્ગે જઉં કે આ માર્ગે જઉ ? કાંઈ સુઝતું નથી.”

માથું ખંજવાળતો ખંજવાળતો અને અત્યંત શોકવાળું અવસન્ન મુખ કરતો વિદ્યાચતુર પળવાર વિચાર કરતો જ બંધ પડ્યો.

“અનાગત વસ્તુની ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. કોણ જાણે કેવા સમાચાર મળશે ? તે આ ઈષ્ટાનિષ્ટ વિચાર અત્યારે શું કરવા કરવા?”

એટલામાં મધુમક્ષિકા આવી અને મેનારાણીને પ્હોંચાડેલા સંદેશાના વર્તમાન ક્‌હેવા લાગી.

વિદ્યાચતુર ગાડીમાં બેઠો હતો તે પ્રસંગનો લાભ લઈ ગાડીમાંથી ઉતરી ચંદ્રકાંત પાસેના તળાવના આરા ઉપર ઉભો ઉભો ચારે પાસ જોતો હતો અને સરસ્વતીચંદ્રના વિચાર કરતો હતો.

“સરસ્વતીચંદ્ર ! વિદ્યાચતુરે ત્હારો શોધ કરવા મદદ આપવાની વાત ક્‌હાડી ત્યારે કુમુદસુંદરીના સમાચાર આવ્યા ને ત્હારી વાત ઢંકાઈ ગઈ! મહારાજે વાત ક્‌હાડી ત્યારે સામંતરાજની ચિંતા આવી ને ત્હારી વાત ઢંકાઈ ગઈ ! મ્હારે તને શોધવો છે, પણ ત્હારે જડવું નથી, ને ભાગ્ય પણ એવું છે કે તને જડવા દેતું નથી. ભલે ભાગ્ય ત્હારો પક્ષપાત કરે ને મુજ ગરીબની વાત ન સાંભળે – પણ હું તને પડતો મુકી ઘેર જવાનો નથી. ઘેરથી પત્ર ઉપર પત્ર આવે છે કે આ નિષ્ફલ શોધ કરવો છોડી ઘેર આવો. મ્હારાં મૂર્ખ વ્હાલાંઓને ખબર નથી કે વસુંધરાનું જોયેલું એક અમૂલ્ય રત્ન ખોવાય છે – ચંદ્રકાંત જેવા અનેક પથરાઓ ભેગા કરો ત્હોય એ રત્નના જેવું મૂલ્ય થાય એમ નથી. સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ દેહમાં ચેતન છે ત્યાં સુધી ત્હારો શોધ હું પડતો મુકું એમ નથી.”

એક બાવો આરા ઉપર તુંબડી લઈ લોટ માગતો અને ચીપીઓ ખખડાવતો દીઠો. ચંદ્રકાંતને જોઈ તે કાંઈક વિચારમાં પડ્યો ને પાસે આવી બોલ્યો.

“ભૈયા, તમે આ નગરના વાસી નથી ?”

ચંદ્રકાંત - “ના, બાવાજી. હું મુંબઈથી આવ્યો છું.”

બાવો - “તમારું નામાભિધાન ?”

ચંદ્રકાંત - “ચંદ્રકાંત."