આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૬
* "न यत्र प्रत्याशामनुपतति नो वा रहयति
प्रविक्षिप्तं चेतः प्रविशति च मोहान्दतमसम् ।।
अकिञ्चित्कुर्वाणाः पशव इव तस्यां वयमहो
विधातुर्वामत्वाद्विपदि परिवर्तामह इमे ॥"

“હું તો એ સ્થિતિમાં નહી રહું ! હું તો નિશ્ચય જ કરું છું કે સરસ્વતીચંદ્ર આ લોકમાં પ્રકાશે છે જ, અને મને મળશે. અલેક્‌ઝાંડર મહારાજાની પેઠે સરસ્વતીચંદ્રનો શોધ કરવા આશાને પેંગડે પગ મુકી હું ચ્હડાઈ કરું છું. આ લોકના અપૂર્ણ ઉત્સાહના શોધમાં મુકાય એટલો વેગ મુકીશ અને તેમાંથી પરિણામ આવે કે ન આવે, પણ હું હવે જાતે આ પ્રદેશનો ભોમીયો થઈશ, પર્વતોમાં, જંગલોમાં અને ગામોમાં આથડીશ, મુંબાઈથી માણસો મંગાવીશ કે અંહીથી રાખી લેઈશ, અને સરસ્વતીચંદ્રને શોધીશ. અર્થદાસની વાત સાંભળી તે સરસ્વતીચંદ્રના સ્વભાવની સાથે મળતી આવે છે.”

ચંદ્રકાંતની ગાડી પણ ચાલી. ગાડીની પાછળની બારીમાં વળી વળી એ સુન્દરગિરિની છાયા ભણી ડોકીયાં કરતો હતો અને અારાપર મળેલા બાવાને સરસ્વતીચંદ્રના કંઈ સમાચાર પુછ્યા નહી માટે પસ્તાવા લાગ્યો. ઘેર પહોંચ્યો ત્યાં બારીએ કુસુમને દેખી નવા વિચારમાં પડ્યો.

“કંઈક છાય, કંઈ કૌમુદીસમું અજવાળું, કંઈ અંધારું,
“દેખી પકડવા દોડી, થાકીને હાંફે ઉર બીચારું !

“સરસ્વતીચંદ્ર ! ત્હારા સ્વચ્છન્દ મનોરાજ્યમાં એવું શું સત્વ છે કે જે અનેક મનુષ્યો પાસે આ ચિત્ર નૃત્ય કરાવે છે અને તે છતાં નૃત્યની તાલ ત્હારા સંગીતની સાથે પકતી નથી ?”