આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
“સુભદ્રા ! નામ તુજ સારું;
“કહું તે ભદ્ર કર મ્હારું !
“પ્રિયા તુજ પાસ જો આવે, .
“કૃશાંગીને તું સમજાવે. '
“તીરે તુજ શીત વા વાય,
“શીકર તે તુજ લઈ જાય.
“પ્રિયાને ઉર છે તાપ,
“કર તું શાંત સંતાપ
“શમાવી તાપ એ લેવા,
“તને ઉરની કથા ક્‌હેવા,
“પ્રિયા મુજ ઝંપલાવે જો,
"ઉંડા જળમાં જ આવે જો,
“ઉરે શફરી [૧].રહે ત્હારે
“ત્યમ તું એને ઉરે ધારે,
“તરાવે તું, છેવાડે તું,
“અમૃત [૨]ઉરમધ્ય રાખે તું.
“કુમુદ જળનું જ છે પુષ્પ,
"રસનું જ છે પુષ્પ;
"કુમુદ તુજ ઉર તરશે જો,
“સખી એની તું થાશે જો....”

આગળ કંઈ કડીયો કવવા લવવા જતો હતો એટલામાં વિહારપુરી, મોહનપુરી, વગેરે બાવાઓનું ટોળું સામું મળ્યું, તેમાં એ ભળી ગયો, અને ભળતાં ભળતાં મનમાં માત્ર એટલું લવ્યો: “ હું યે ગાંડો થયો છું. કુમુદસુંદરી તો એ સુવર્ણપુરમાં સુખથી વિરાજે. ઈશ્વર એનું કલ્યાણ કરો મ્હારે એની વાસના સરખી પણ હવે છોડી દેવી, મૃત્યુથી જુદાં પડવું અને જીવતાં જુદાં પડવું એ એક જ છે. માણસની ચિંતા માણસ શી કરનાર હતો ? એ ચિંતા કરનાર ઈશ્વર સમર્થ છે.” બાવાઓ એની ચારે પાસ વીંટાઈ વળ્યા, એની સાથે પ્રશ્નોત્તર અને વાતો કરવા લાગ્યા, અને સર્વ જેતાજોતામાં આ સ્થાનથી અદ્રશ્ય થવા લાગ્યા. અદ્રશ્ય થતાં થતાં સરસ્વતીચંદ્ર સુભદ્રા અને સમુદ્ર ભણી દૃષ્ટિ નાંખી અને નાંખતા નાંખતો વળી ગણગણ્યોઃ


  1. ૧. માછલી
  2. ૨. અમૃત=પાણી. દેવતાઓનું અમૃત.