આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

કુસુમ એક પેટી ભણી દોડી અને ઉઘાડી તેમાંથી સારંગી ક્‌હાડી વગાડવા લાગી, અને તેમાં સ્વર બરોબર ઉતરવા માંડ્યો એટલે બોલી.

“ગુણીયલ, હું કમલિનીવાળું પદ બોલીશ અને તું ભમરો બોલજે.”

સારંગીના સ્વરથી ચંદ્રકાંત ચમક્યો. આ ખંડ અને ઓસરી વચ્ચે વ્હેંતની જાળી હતી તેમાંથી આ રમણીય દેખાવ એ જોવા લાગ્યો, ખાટલાની પાંગથ ઉપર સુંદર બેઠી હતી તેને ખભે હાથ મુકી ગુણસુંદરી પણ બેઠી હતી અને બેની ગૌર સુંદર કાંતિ એકબીજામાં એવી તો ભળી ગઈ દેખાતી હતી કે બે નહી પણ એક જ સ્ત્રી બેઠેલી લાગતી હતી. સામે એક પગ પેટી ઉપર વાંકો અને એક પગ જમીન ઉપર સ્વસ્થ રાખી કુસુમ કેળના છોડ જેવી ઉભી હતી અને નાજુક સારંગી કેળના પાંદડા જેવી લાગતી હતી. ધીમે ધીમે કુસુમનો સ્વર અને સારંગીનો સ્વર એકઠો મળી નીકળવા લાગ્યો.

“દૂર દૂર દૂર દૂર જા, ભમરા, તું દૂર દૂર.!-(ધ્રુવ)
“કમલિની હું કોમળ દળવાળી,
“કાંટાવાળો તું ક્રૂર ક્રૂર !
“જા ભમરા૦
“ભોગી પરાગનો, અલ્યા, તું એકલા
“સ્વાર્થવીશે છે શૂર શૂર !
“જા ભમરા૦”

કુસુમે છેલું પદ વારંવાર ગાયું, સુંદર પણ ઝીણેથી ગાવામાં ભળી, અને સારંગીની ધુન મચી રહી. થોડીવારમાં ગુણસુંદરીનું ગાન કિન્નરકંઠમાંથી નીકળવા લાગ્યું; અને ખંડ બ્હાર ચાકરો પણ કામ કરતાં અટકી પળવાર કાન માંડી ઉભા.

“કમલિની ! ખોટું સમજવે તું શૂરી !
“માનિની ! આમ ન ભુલ ભુલ ! માનિની૦ (ધ્રુવ)
“રાત રાખીને કેદ કરે, બની
“વજ્રસમું કુંળું ફુલ ફુલ ! માનિની૦
“તજી કુસુમવન, કામી કમળનો
“શિર ઘાલે પરાગની ધુળ ધુળ !! ' માનિની૦ !”

છેલી કડી ગાવામાં ત્રણે જણ ભળ્યાં અને પા ઘડી તેમના સ્વરની અને સારંગીની રમઝટ ચાલી, એટલું જ નહી પણ

“ શિર ઘાલે પરાગની ધુળ ધુળ
ધુળ ધુળ.”