આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

“અને મોઈ-હજી તો એને મીરાંબાઈ જેવાં ર્‌હેવાનું મન થાય છે.”

“હા ! બાઈ, આ તમારી દીકરી જેવી તો કોઈયે દીઠી નહીં.”

"એને મીરાંબાઈ થવું છે, એને ઘરમાં બંધાઈ ર્‌હેવું નથી. એને વીલાયત મોકલીયે તો ત્યાં યે જવું છે, તળાવમાં તરતાં શીખી, અને અધુરામાં પુરું નાચતાં યે શીખી ! સાપનો ભારો સાચવવા જેવું વિકટ કામ છે.”

"પણ એનામાં હજી કળિ આવ્યો નથી."

"હા, એટલું વળી ઠીક છે. પણ કુમુદના જેવી ગરીબડી નથી. કે જયાં જાય ત્યાં સમાય. સિંહણ જેવી છે તેને તે સિંહ જોઈએ તે કાંઈ ભરી રાખ્યા છે જગતમાં?"

"એ તો ખરું.”

"જો સરસ્વતીચંદ્ર જડે અને કહ્યું માને તો એમને હાથ તો ર્‌હે ખરી. પણ જે ધણીને દશ લાખ રુપીયાની ગાદી છોડતાં વાર ન લાગી તેને આપણે તે શું સમજાવનાર હતાં ?"

"આ ચંદ્રકાંતના હાથમાં કંઈ વાત હશે."

"હા, એટલા જ સારુ હું કુસુમને એમની નજરે જરા પડવા દેઉ છું કની?"

“એ તો ઠીક કરો છો.”

ચંદ્રકાંતે બારણે નિઃશ્વાસ મુક્યો, અને આ વાતો સાંભળવી મુકી દેઈ, કપાળે હાથ મુકી, અસ્ત થઈ જઈ ગાદી ઉપર પડ્યો. થોડીક વારમાં કુસુમ એની પાસે દોડતી આવી; “ચંદ્રકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ ઉઠો જરી. મહારાજશ્રી આ રસ્તે થઈને પધારે છે તે અંહીયાં ચક નાંખી દેવડાવીયે છીયે કે ગુણીયલ અને અમે સઉ એમનાં દર્શનનો લાભ પામીયે ! તમે આણી પાસ બેઠા બેઠા સ્વારી જોજો."

ઓસરીમાં ચાકરોએ ચક નાંખી દીધા, સ્ત્રીમંડળ પણ ગુપચુચ આવી મણિરાજની વાટ જોતું બેઠું, માર્ગ ઉપર ધામધુમ થવા લાગી, લોક તરવરવા લાગ્યા અને આઘે બુમ પડી; “પધાર્યા, પધાર્યા, મહારાજ પધાર્યા !” કુસુમસુંદરી સ્ત્રીમંડળની એક પાસ ચકને એક છેડે લપાઈ જઈ બેઠી અને ચંદ્રકાંત દેખે નહી એમ જમીન ઉપર ચક બે આંગળ ઉંચો કરી, જરીક સુઈ ગયા જેવી થઈ ચક અને ભાંયના વચાળામાંથી પોતાનું મ્હોં દેખાય નહી એમ જોવા લાગી.

સુંદરે કુસુમના વાંસામાં પાછળથી ધીમી લાપટ મારી કાકીનો હાથ ક્‌હાડી નાંખી હસતી હસતી ભત્રીજી જોવા લાગી અને ધીમે રહી બોલી: