આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

“ભૈરવી, એ શું કહ્યું ?”

“હા, સિંહને મારીને આપ રડો છો કે આને માર્યો તો આપના અમલદારોને શિક્ષા કરતાં તો દયા આણવી જ જોઈએ.” છોકરાના સામું જોઈ ભૈરવી બોલી: “બોલ, છોરા બોલ.પેલું જોડ્યું છે તે બોલી લે.”

ભૈરવીનો પુત્ર પ્રીતિથી ને ઉલ્લાસથી બોલવા લાગ્યો :

“તરવાર કડે,*[૧] બન્ધુક કરે, ધરતો ધરતીપતિ તાકી જ જ્યાં,
“વનરાજ ઉભો પળ જોઈ રહે, વનમાં અંહી આ શૂર માનવ કયાં ?
“માનવ ક્યાં? અંહી માનવ ક્યાં ? કંઈ એમ વિચાર કર્યો ન કર્યો,
“દીઠી–દીઠી ન–ગોળી ગઈ શિરમાં, વનરાજ, તીહાં જ ઠર્યો જ ઠર્યો.
“જીવતો મરતો ન કળાય પશુ, હલકારક દૂર ઉભા ડરતા,
“મણિરાજ ભરે ડગ, ના જ ધરે ડર, સિંહશિરે જ ધર્યા કર આ !
“વનરાજતણે જમરાજ મણિ વનરાજની પાસ ઉભો રડતાં,
“વનરાજ ગયો ! શૂર, હાય, ગયો ! વન શૂન્ય હવે વનરાજ જતાં.”

પુત્ર બોલી રહ્યો કે ભૈરવી બોલીઃ “મહારાજ, વધારે બોલીયે તો કાંઈ ગાંડું ઘેલું બોલાઈ જવાય. માટે હવે તો આ અમારા આ સુખશંકર મહારાજ શાસ્ત્રની બે વાત બોલે તે સાંભળો.”

સુખશંકર આગળ આવી બોલવા લાગ્યો: “ મહારાજ સિંહણ પાસે તેનાં બચ્ચાં ગેલ કરી રહ્યાં હોય તેમને સ્પર્શ કરનારની જે દશા થાય છે તે આપની નિર્દોષ પ્રજાને કનડનારની થાય છે એ યોગ્ય છે. રાજાપ્રજાની પરસ્પર પ્રીતિ એવી જ જોઈએ. પણ એ બીચારા તલાટીની હવે સઉને દયા આવે છે.”

“બદલી થયા પછી તલાટી તમારી પાસે આવી ગયો હશે?”

“ના, બાપજી. એમ કાંઈ એની છાતી ચાલે એવું આપનું રાજ્ય છે ? પણ આ બાઈનું જ કાળજું બળે છે.”

“કેમ, ભૈરવી, ત્યારે તું એવી ઈચ્છા રાખે છે કે એ તલાટી ઉપર પાછી દયા કરવી જોઈએ ?”

“હા, બાપજી,” ભૈરવી મલકાઈને બોલી.

“બહુ સારું. એમ થશે.”


  1. * કડ = કેડ