આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

ઉંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા [૧] આવવા લાગે તેમ કુસુમ થાળ લેઈ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી.

ન્હાની સરખી નદી આગળ નીચે નમી આકાશનો ઉંચો મેઘ ધારારૂપી હાથ નદી સુધી લાંબા કરે તેમ મણિરાજે કુસુમના હાથમાંનો થાળ નીચાં નમી પોતાના હાથમાં લીધો, એક હાથમાં તે થાળ રાખી બીજે હાથે એક અંજલિ ભરી પુષ્પ ચંદ્રકાંતને આપ્યાં, બીજી અંજલિ ભરી કુસુમની અંજલિમાં આપ્યાં, ત્રીજી અંજલિ ભરી પોતે સ્વીકાર્યો, અને બાકીનાં પુષ્પપસમેત થાળ જોડે ઉભેલા રાજપુત્રને આપી સહયાયીઓમાં અને વસ્તીમાં વ્હેંચવા આજ્ઞા આપી. આ સર્વ ક્રિયા તેના હાથ કરતા હતા તે જ સમયે જેમ હાથમાંથી પુષ્પ અપાતાં હતાં તેમ મુખમાંથી સ્મિત અને અક્ષર ચાલતા હતા. “ચંદ્રકાંત, તમે ક્યાંથી ? ક્ષમા કરજો, તમે પાછળ ઉભેલા એટલે મ્હેં દીઠા નહી. કુસુમબ્હેન, તમારાં માતુઃશ્રીએ બ્હારવટીયા પકડાયાના શુભ સમાચાર જાણ્યા હશે – કુમુદબ્હેન થોડી વારમાં આવશે.”

નીચું જોઈ લજજાભરી બાળા બોલી: “સર્વ મહાપુરુષો તો દર્શન આપી પછી કૃપા કરે છે પણ આપનાં પગલાંનો ચમત્કાર તો પગલાં થયાં પ્હેલાંથી જ જણાય છે. મહારાજ ! ગુણીયલે ક્‌હાવ્યું છે કે

"उदेति पूर्वं कुसुमं ततः फलं
"हनोदयः प्राक्तदांतरेअं पयः
"निमित्तनैमित्तिकयोरयं क्रम-
"स्तव प्रसादस्य पुरस्तु संपदः ॥"*[૨]

“ મહારાજ, આ સંદેશો ક્‌હાવતાં ક્‌હાવતાં ગુણીયલે આનંદ કે ઉપકારનાં આંસુ પાડ્યાં છે તે હું મ્હારા ભણીથી આપને વિદિત કરું છું.”

મણિરાજ અને ચંદ્રકાંત ઉભયને આ સાંભળી પોતપોતાના નેત્રમાં કાંઈક જળ જણાયું. “ કુસુમબ્હેન, ગુણીયલબાને ક્‌હેજો કે એ તો તમારા ગુણનું પુણ્યફળ છે. ઈશ્વર સદ્ગુણને કસેછે પણ અંતે ફળ આપતાં ઉદાર થાય છે.” – “ચંદ્રકાંત, માતાનો સ્નેહ અપૂર્વ છે.”


  1. ૧. મળસ્કું
  2. * ઉગે કુસુમ પ્હેલું, ફળ પછી જ થાય,
    ઉગે મેધ પ્રથમ, વૃષ્ટિ પછી જણાય,
    નિમિત્ત પુંઠે નૈમિત્તિકો ક્રમથી આવે:
    મુકી કૃપાની આગળ સંપત્તિ, તે તો આપે !!( અત્રે આપે - એટલે તમે )
    –કાલિદાસનું શાકુંતલ,