આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
“મુક્યો મુસળભાર રે !
“હાય! હાય રે ! કુમુદ મ્હારી કચરાઈ ! ૨
“દીકરી મ્હારી ! તું બહુ ડાહી !
“મનમાં મનના સમાવી રે !
“વરાળ સરખી ત્હેં નથી ક્‌હાડી,
“માને પણ ત્હેં વાહી રે !
“હાય ! હાય રે ! કુમુદકળી કરમાઈ! ૩
“માથી વ્હાલી કરી નદીને,
“દીકરી ક્યાં ગઈ મ્હારી રે ?
“કાળજડે મુજ કટાર દઈને
“નદી કરી ત્હેં વ્હાલી રે !
“હાય ! હાય રે ! કુમુદ મ્હારી ક્યાં તું ગઈ?” ૪

ઘડીવાર દુ:ખી માતાએ માથું નાંખી દીધું . અંતે હૃદય ખાલી થતાં ધૈર્ય આવવા લાગ્યું, અને આંસુ લોહી નાંખી, બોલીઃ “કુસુમ, ગાંસડી છોડ, જોઈએ.” કુસુમે ગાંસડી છોડી તો ઉપર જ વનલીલાનો કાગળ. તેમાં પ્રમાદધન, કૃષ્ણકલિકા, અને બીજા ક્ષુદ્ર માણસોની ખટપટના સર્વ વર્તમાન વનલીલાએ સાંભળેલા તે એણે લખ્યા હતા. એ પત્ર વાચતાં જ ગુણસુંદરીનાં નેત્ર ફરી ગયાં અને મનમાં પત્ર વાંચતાં વાંચતાં વચ્ચે મ્હોટે સ્વરે બોલીઃ “સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડુબી હોય તો કસાઈને ઘેરથી ગાય છુટી સમજજો ! અરેરે ! આ દુ:ખ મને તે શી રીતે જણવે ?” વળી વનલીલાએ પત્રના છેલા ભાગમાં કવિતા જોડી ક્‌હાડી લખી હતી તે મનમાં એકવાર વાંચી - બે વાર વાંચી.

“મ્હારાં કુમુદ સલક્ષણાં બ્હેન, હરભડશો માં અધઘડી રે,
“તમને જાળવશે પરમેશ, ફરતી એની છાંયડી રે. ૧
“દુર્જન મુકે ન જાત-સ્વભાવ જાણે સઉ આંધળાં !
“એની આંખે આવે અંધારાં, પગે થાય પાંગળાં.
“કાળકાની ફુટી આંખ, દીઠી ન એણે મને,
“પુઠ એની હવે મુકું નહીં જ, ઘણું વ્હાલાં છો તમે. ૩
“વાંકો વાળ તમારો ન થાય, હૈયે ધૈર્ય ધારજો;
“એને કરીશ ફજેત ફજેત, શા છે એના ભાર જો ૪
“જશે વાત પ્રધાનને કાન, દેવી બધું જાણશે,
“બોર બોર જેવાં આંસુ રાંડ વંઠેલી એ પાડશે. ૫