આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨

ધૂર્તલાલે અતિશય બુદ્ધિ ચલાવી. ગુમાનઉપરથી શેઠની પ્રીતિ ઉતરી જોઈ શેઠની પાસે ગુમાનની વાત કરવી છોડી દીધી અને એ માર્ગે તથા બીજી રીતે શેઠનો વિશ્વાસ મેળવવા અને પુત્રશોકથી ઉત્પન્ન થયેલો તેનો વ્યવહાર -પ્રમાદ વધારવા ધૂર્તલાલ શેઠની પાસે દિવસે દિવસે વધારે વધારે નમી પડવા લાગ્યો. સરસ્વતીચંદ્રનો શોધ કરવામાં શેઠને સહાયભૂત થઈ વ્યાપૃત રાખવા લાગ્યો, અને તેના વિશ્વાસનું પાત્ર બની એનાં સર્વ કાર્ય પોતાને હસ્તગત કરી લેવા માંડ્યાં. દુકાનના મ્હેતાઓની મરજી સંપાદન કરી તેમનો શેઠ થઈ બેઠો. તીજોરી, રોકડ, અને દસ્તાવેજ માત્રની કુંચી હાથમાં લીધી. સૂર્યયંત્રનો ધણીરણી થઈ પડ્યો. શેઠ પાસે પોતાની ફરીયાદ ન જાય એ વાતની સંભાળ રાખવા લાગ્યો. પ્રમાણિકતાની કીર્તિ ઉભી કરી.

પુત્રચિંતામાં દિવસે દિવસે વધારે વધારે ડુબતો વૃદ્ધ અને દુઃખી લક્ષ્મીનંદન આ સર્વથી છેતરાયો અને એના સર્વ વ્યાપારમાં એને સ્થાને ધૂર્તલાલનાં પ્રતિષ્ઠા-આવાહન થયાં.

આ સર્વ નાટકના પડદાની માંહ્ય આ બક-ભક્ત ધૂર્તલાલ પોતાના સ્વાર્થની અનેક પ્રપંચ-રચના રચવા લાગ્યો. લક્ષ્મીનંદનને ત્યાંથી દેખીતો પગાર તો એણે ઘણો જ થોડો લેવા માંડ્યો. પણ તેને સટે ગુપ્ત આવક અનેકધા લેવા માંડી. લક્ષ્મીનંદનને મળતા હકસાઈ, દલાલી, વગેરે સર્વે લાભ દેખીતા હતા તેટલા રહ્યા. પણ ગુપ્તપણે તેનો સર્વ શેષભાગ ધૂર્તલાલને પચવા લાગ્યો. સૂત્રયંત્રમાં, દુકાનમાં, અને ઘરમાં જેટલો માલ લેવાય તેના મૂલ્યમાંથી રુપીયે બે આના માલ વેચનાર ધૂર્તલાલને આપે, એ માલમાંથી થોડી ઘણી ચોરી થયાં કરે, અને જે માલ ઘરમાંથી વેચાય તેમાંથી એ જ રીતે ધૂર્તલાલને આહૂતિ મળે. લક્ષ્મીનંદનના ગુમાસ્તાઓને પણ ફોડીને પોતાની નાતમાં લેવા એમને રળાવવા લાગ્યો, અને એ નાતમાં આવવા જે ના પાડે તેને ભય દેખાડવા લાગ્યો.

આ નાતમાં તે માત્ર બે જણને ભેળવી શકયો નહીં. જયાંસુધી સરસ્વતીચંદ્રની સાથે તકરાર હતી ત્યાંસુધી ગુમાન ભાઈની શીખામણ પ્રમાણે વર્તી. પણ ત્યારપછી એના સ્વાર્થના સર્વ કિરણનું કેન્દ્ર એનો પુત્ર ધનનંદન એકલો રહ્યો, અને લક્ષ્મીનંદનની સર્વ મીલકત ગુમાન ધનનંદનની ગણવા લાગી. આ ફેરફાર થશે એવું અંધ ધૂર્તને સુઝ્યું નહી અને પ્રથમ જેવી રીતે બ્હેનની સાથે ચિત્ત ઉઘાડી બનેવીના પઈસા ખાવાની વાતો કરતો તેવી જ રીતે કરવાનું હવે પણ જારી રાખવા લાગ્યો, અને પોતાની ચોરીમાં બ્હેનને ફળભાગી કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. આ સર્વ ચોરી અને હાનિ પોતાના