આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮

એટલે વાણીયો સદાનો નોકર થવાનો. હજી તો એને ખબર નથી કે સરસ્વતીચંદ્ર મરશે ને એનો ભાગ ભાણાને ગયો, એટલે ભાણો ને બાણો – બધાના કુલ માલક બંદા ! - ને કોડીનો વાણીયો - તેને ધક્કો મારતાં વાર નથી. સરસ્વતીચંદ્ર મુવો એટલે એના તરફથી કામ કરનાર વાણીયો પણ મરે એવો લેખ કરાવવો. આ વચ્ચે અમારાં ગુમાનબ્હેન ટકટક કરે છે તે - મ્હારી સાળી બૈરાંની જાત - એની કાશ પણ કેમ ન ક્‌હડાય ?” બ્હેનની હત્યાના વિચારથી ધૂર્ત કાંઈક મનમાં કંપ્યો. પણ સજ્જ થઈ ગાડીમાં ચ્હડતાં ચ્હડતાં ઓઠ કરડી ગણગણ્યો. “બ્હેન ને ભેન ! પેટથી સઉ હેટ ! નવાણું ત્યારે સો ભર્યા ! આટલા મચ્છર ચોળાશે ત્યારે એક વધારે !” ગાડી ચાલી તેની સાથે બંગલા ભણી પાછળ નજર કરી બોલ્યોઃ “જો શેઠ સહી નહીં જ કરે તો મ્હારા ટોળીવાળા ક્યાં નથી ? વશે સહી નહી કરે તો કવશે કરશે, - અથવા પદમજી પારસી શેઠની પચીશ સહી કરે એવો છે ! જોઈએ શું કરવું તે - જગત જખ મારે છે !” મુછ ઉપર હાથ નાંખી, છાતી ક્‌હાડી, શેઠના સાળાએ ગાડીવાનને પાછળ મુક્કો માર્યો: “સાળા, ઝપ લેઈને હાંકતો કેમ નથી ?” ગાડીવાને પાછું જોયું, ચાબુક વાગતાં ઘોડો દોડ્યો, ને ગાડી અદ્રશ્ય થઈ.

બંગલાના દ્વારમાં એકલો પડેલો હરિદાસ ગાડી પાછળ જોતો જોતો નિ:શ્વાસ મુકતો ઉભો. ગાડી ચાલી એટલે પાછો ફરી એક ખુરસી પર બેઠો: “એ હરિ ! એ ધરતી માતા ! આ ભાર તું શી રીતે ઝીલે છે? આમાં મને કાંઈ સુઝે એમ નથી. શેઠીયાના ઘરમાં ને રાજાના ઘરમાં સાળો પેંસે એટલે લક્ષ્મી બ્હેન પરવારે ને કુસંપ ઘર કરે. સરસ્વતીચંદ્ર જેવું ઘરમાંથી ગયું તે આને પાપે. શેઠાણીની બુદ્ધિ બગડી તે આને પાપે. શેઠની બુદ્ધિ ગઈ તે આને પાપે. સારા સારા ગુમાસ્તાઓ બગડ્યા તે આને પાપે. હવે શેઠની જાતનું અને એમની લક્ષ્મીનું જે થવા બેઠું હોય તે ખરું, ને થશે તે એને પાપે. હવે વેળા વંઠી ત્યારે સઉ સમજવા બેઠાં છે. શેઠ હવે પોક મુકીને રડે છે ને શેઠાણી જે છે તે – હવે – શા કામનું? ગમે એટલું પણ બ્રાહ્મણભાઈને કર્મે તે પશ્ચિમ બુદ્ધિ વિના બીજું શું હોય? અને બઈરાં વેળાસર તો શું પણ બ્રહ્માનાં સમજાવ્યાંએ સમજે તો લક્ષ્મણજી રામજી પાછળ જાત નહીં ને સીતાજી હરાત નહી. બઈરાંની બુદ્ધિ પ્હાનીએ કહી છે તે કંઈ અમસ્તી? હશે, એ તો સઉ વિધાતાનો વાંક પણ હરિદાસ તો બ્રાહ્મણે નથી ને બાઈડીએ નથી. વાણીયા ! ત્હારી અક્કલ