આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩


“ભાઈને શોધી ક્‌હાડવા, તેમ કરતાં લાખ રુપીયા થાય તો પણ ખરચવા, જીવ જાય તો ક્‌હાડવો, ત્હારે જાતે સઉ શોધ કરવો ને કરાવવો; પણ ભાઈને લાવવા – ભાઈને લાવવા – ભાઈને લાવવા–” આ વાક્ય બોલતાં બોલતાં શેઠના ચિત્તભ્રમનો આભાસ લાગ્યો. હરિદાસ ચેત્યો.

“શેઠજી, એ કામ મ્હારું. ચંદ્રકાંત ભાઈને શોધવા જ ગયા છે. બુલ્વર સાહેબને એમનો પત્તો જડ્યો છે – ”

“હેં !હેં ! સ્વપ્ન કે સાચું ?–”

“શેઠજી, સાચું બે ચાર દિવસમાં ભાઈ વીશે ચંદ્રકાંતનો પત્ર આવશે.”

“હરિદાસ, આ લુચ્ચો ધુતારો પચીશ હજાર ખાઈ ગયો ને હજી ભાઈને શોધ્યા નહીં. ચંદ્રકાંતે એ શોધ વગરપઈસે કરી. ખરી વાત ચંદ્રકાંતનું કાળજું બળે ને મ્હારો ધુતારો તો ભાઈનો પગ ક્‌હાડવામાં જ હતો તો શોધે શાનો ? કાળજું તો મ્હારું જ ઠેકાણા વગરનું કે એને આ કામ સોંપ્યું.”

“શેઠ, થવા કાળ. બોલો, બીજું શું કરવાનું ?”

“બીજું એ કે મ્હારું કાળજું હજી ઠેકાણે નથી ને ક્યારે ખસે તેનું ઠેકાણું નથી. માટે ટ્રસ્ટી કરવો – ”

“લેખ કરવાની ના ક્‌હેતા હતા ને ?”

“સાંભળ તો ખરો. ના તો ધુતારાને લખી આપવાની. આ તો એવો લેખ કે મ્હારા ભાઈ મ્હારા ટ્રસ્ટી – એકલા ભાઈ ટ્રસ્ટી – બીજું કોઈ નહીં – તું યે નહીં ને હું યે નહી.”

“વાહ, શેઠ, સારું ધાર્યું પણ શેઠાણી કબુલ કરશે ?”

“નહી કરે તો ધરી રહી. હવે મને ભાઈ વગર કોઈનો વિશ્વાસ નથી. મ્હારું ધન એને સોંપીશ. ધનભાઈનું ધન પણ ભાઈને સોંપીશ. ધનની માને પણ ભાઈને સોંપીશ. ને ધનભાઈને પણ એના એ ભાઈને સોંપીશ. ને મ્હારી જાત પણ એને સોંપીશ.”

“શેઠ, પણ શેઠાણીને તો પુછવું જોઈએ. ઉતાવળ ન કરો.”

શેઠે ઉઠીને હરિદાસને ધોલ મારી.

“હરામખોર ! ફુટેલો દેખાય છે ! શેઠાણીની શરમ પડે છે. જા, મ્હારે ત્હારું કામ નથી.”

ગાલ ચંચવાળતો ગુમાસ્તો બોલ્યો: “શેઠ, ભાઈને ક્‌હાડી મુકતા સુધી જેની શરમ તમને પડી તેની શરમ મને ભાઈની ગેરહાજરીમાં ન પડે ?”