આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬

હરિને સોંપી, છેક સંધ્યાકાળનું અંધારું પડતાં, શેઠના બંગલામાંથી, વાડીમાંથી, દરવાજામાંથી નીકળ્યો. બુલ્વર સાહેબ અને પોલીસ કમીશનર અને ધૂર્તલાલ એ ત્રણેના વિચાર કરતો ત્રણેને ત્યાં જવાનો સિદ્ધાંત કરી, વિક્ટોરિયા ગાડી ભાડે કરી, ચાલ્યો ને જગતની ખટપટને શાંત કરી દેતા અંધકારમાં માર્ગ વચ્ચોવચ લીન થઈ અદૃશ્ય થઈ ગયો. માત્ર એના મુખમાંથી નીકળેલું એનું છેલું વાક્ય પળવાર તેની પાછળ અંધકારમાં પવનમાં લટક્યું: “ હરિ ! ત્હારી ઈચ્છા મ્હોટી છે ! હું રંકથી મહાપ્રયત્નથી ન થાત તે - ઘેલા ગાંડા પણ શેઠના વચનમાત્રથી – સિદ્ધ થશે, અને હરિ ત્હારી તો એકલી ઈચ્છાથી જ સિદ્ધ થશે ! હરિ ! હરિ ! ધર્મ જય અને પાપે ક્ષય !” “જય” અને “ક્ષય” શબ્દ અંધકારમાં વિક્ટોરિયા રથના ચક્ર પાછળ ચક્રના સ્વરમાં – પડઘામાં - વીંઝાયા અને સરસ્વતીચંદ્રના બંગલાની ભીંતોમાં લીન થઈ ગયા. સઉ હતું તેવું થયું.

હરિદાસ પ્રથમ પોલીસ કમીશનરને ત્યાં ગયો. લક્ષ્મીનંદન અને સરસ્વતીચંદ્ર ઉભય ઉપર એ અધિકારીની પ્રીતિ હતી. ધૂર્તલાલ એ જાણતો હતો અને તેથી એણે એ અધિકારીના હાથ નીચેનાં કેટલાંક માણસની સાથે તેમના ઉપરીને નામે, કેટલાંકની સાથે લક્ષ્મીનંદનને નામે, અને કેટલાંક સાથે લક્ષ્મીનંદનના દ્રવ્ય વડે, પ્રીતિ કરી હતી. આ સઉ જાણનાર હરિદાસને ખાતાના મુખ્ય ઉપરી સાથે પોતાના કાર્યની વ્યવસ્થા કરવી યોગ્ય લાગી. એણે બીજાં તાબેનાં માણસો પાસે ન જતાં સઉના ઉપરીને પકડ્યો, શેઠના મર્મનો ભેદ ખોલ્યો, અને શેઠ દુકાને આવે તે પ્રસંગે થોડાંક પોલીસનાં માણસો પ્રત્યક્ષ થઈ શકે અને કામ લાગે એવી ગોઠવણ કરી શેઠની ચીઠીનો સત્કાર થયો.

બુલ્વર સાહેબે શેઠની ચીઠી વાંચી, શેઠની ઈચ્છાઓ સાંભળી પ્રસન્ન થયો, અને પ્રાત:કાળે શેઠને મળી સઉ વાત કરવાનું વચન આપ્યું. ત્યાંથી નીકળી, પોતાને ઘેર જઈ જમી, હરિદાસ ધૂર્તલાલને ઘેર ગયો. ધૂર્તલાલ એની વર્ષાદની પેઠે વાટ જોતો હતો. હરિદાસે કહ્યું કે શેઠ એકદમ કહ્યું માને એમ નથી પણ કાલ બપોરે દુકાને આવશે તે પ્રસંગે વાત થશે તો વિચારશે. ધૂર્તલાલ શેઠ ઉપર ચ્હીડાયો.

“હરિદાસ, ત્હારી મદદની ખરેખરી જરુર પડશે. શેઠ જો સહી નહીં કરી આપે તો કરનાર નીકળશે ને વધારે વાટ ન જોતાં કાલે બપોરે જ ગાંડા ઠરાવી મુકવા, ને ગાંડાની પેઠે બાંધી કોલાબે પોલીસ મારફત મોકલવા. કોલાબે ડાક્તરને કહી મુકર્યું છે પણ વખત નથી આપ્યો તે ત્હારે મ્હારી ચીઠી સવારે લેઈ જવું ને તેમને ચેતાવવા.”