આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮

“ વિદ્યાચતુરનો મ્‍હારા ઉપર પત્ર આવ્યો છે તે યાદ આવ્યું. લે વાંચ.”

નરભેરામે પત્ર વાંચ્યો:

“પરમ સ્નેહી બુદ્ધિધનભાઈ.

“આપના મહારાણાશ્રીની આપના ઉપર સંપૂર્ણ કૃપા થઈ, દુષ્ટ વર્ગ અસ્ત થયો, અને આપને મંત્રીપદ મળ્યું જાણી મને આનંદ થાય એ ક્‌હેવા જેવી નવીન કથા નથી. રાજા, પ્રજા, અને આપ, ત્રણેનાં સુભાગ્ય આમાં રહેલાં છે એ સર્વને આનંદનું કારણ છે. અમારા મહારાજશ્રી મણિરાજજીના હસ્તાક્ષરનું અભિનંદનપત્ર મહારાણાશ્રી ભૂપસિંહજીને પહોંચશે.”

“આપના જેવા રાજકાર્યના ધુરંધરને મ્‍હારા જેવો અલ્પાનુભવી કાંઈ મંત્રીધર્મ કથવા બેસે તો તેમાં પ્રગલ્ભતાદોષ આવે છે. પરંતુ ચિ. પ્રમાદધન વીશે કાંઈ સૂચન કરું તો સંબંધસ્વભાવને પ્રતિકૂળ નહી ગણો એની વિજ્ઞપ્તિ છે.”

“ચિ. પ્રમાદધનને વિદ્યાર્થિઅવસ્થામાં ર્‌હેવા વધારે અવકાશ મળે તો ઉત્તમ છે, કારણ એ અવસ્થાના પરિપાકવાળાને અનુભવનો રંગ ઓર જ ચ્‍હડે છે, વળી અમે ઈંગ્રેજી ભણેલા એવું માનીયે છીએ કે જેમ પ્રધાનને રાજા પ્રતિ ધર્મ હોય છે, તેમ રાજ્ય પ્રતિ ધર્મ પણ હોય છે. પ્રથમ રાજધર્મ ને બીજો રાજ્યધર્મ, પોતાની સાથે પુત્ર, ભાઈ, ભત્રીજા, જામાતૃ વગેરે સંબંધવાળા પુરુષોને પ્રધાને પોતાના હાથ નીચે નીમવાથી રાજ્યધર્મનો ભંગ થાય છે એવું હું માનું છું, અને એ ધર્મભંગથી, રાજ્યનું હિત જાળવવાના પ્રયત્નમાં ન્યૂનતા રહે છે, પ્રજાને અન્યાયભય ર્‌હે છે અને ન્યાયકાલ જડવામાં કઠિનતા ર્‌હે છે તેમ નીમણુંકથી જે પુરૂષની ઉપર આપણે કૃપા કરવા ધારીયે છીયે તેની પરાક્રમ-શક્તિ કૃપાના આધારથી ક્ષીણ થાય છે, આથી રત્નનગરી તેમ સુવર્ણપુર ઉભય સ્થાન છોડી કોઈ ત્રીજે જ જળાશયે ચિ. પ્રમાદધનને તરવા મોકલવા જોઈએ, એવો મ્‍હારો અભિપ્રાય છે. પછી આ વાતમાં આપની ઈચ્છા પ્રમાણ છે.”

પત્રના બાકીના ભાગમાં કુટુંબકથા હતી તે નરભેરામ મનમાં ઉતાવળે વાંચી ગયો. પત્ર પાછો આપી બોલ્યોઃ

“ભાઈસાહેબ, વિદ્યાચતુરભાઈ તો મ્‍હોટા વિદ્વાન છે. આપણે જુદું શાસ્ત્ર ભણ્યા છીયે–”