આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

ખાચર૦ –“શું કુમુદસુંદરી હાથ ન લાગ્યાં ? વિદ્યાચતુર ! પુત્રીનો વિયોગ મહાદુ:ખ કરે છે તેનો મને અનુભવ છે.”

મણિ૦ – “પ્રધાનજી, હવે સત્વર ઘેર પધારો. આપના ધર્મમાં કુટુંબને અંશભાગી કરો. હું પણ ત્યાર સોરો આવી જઈશ. પ્રધાનજી, આપનું ધૈર્ય જાણનારે વધારે સૂચના કરવી પુનરુક્ત છે. બાકી મ્હારા ખેદથી તમારા ખેદની કલ્પના કરું તો તો પાર ર્‌હે એમ નથી.”

મણિરાજની આંખ ભીની થઈ. સર્વ મંડળ અવસન્ન થયું. બે મીનિટના મૌનને અંતે વિદ્યાચતુર બોલ્યો “મહારાજ, આણી પાસથી કુમુદ જવા બેઠી અને આણી પાસથી પ્રમાદધન પણ ગયા. મ્હારું અને બુદ્ધિધનભાઈનું ઘર – બેનાં ઘર સાથેલાગાં શૂન્ય થયાં. મ્હારા કરતાં એમનું દુ:ખ અનેકધા વધારે છે. એમના દુ:ખમાં મ્હારું દુ:ખ ભુલુંછું.”

શોકવાર્તા કરતાં કરતાં વિદ્યાચતુરને મુત્સદ્દી મંડળ ભેગો ગાડીમાં વીદાય કરી, મણિરાજ, ખાચર, અને મૂળરાજ બીજી ગાડીમાં ચ્હડયા. થોડી વાર એ ગાડીમાં મૌન પ્રવત્યું. અંતે ખાચર બેાલ્યો.

“ મણિરાજ, આ વાતોડીયા મંડળીમાં બેસવામાં આપણા નાચરંગના દરબારનું ખરચ નથી ને નુકસાન પણ નથી એટલો લાભ ઓછો નથી. એ મંડળીમાં બેસી તમે સર્વે સાંભળ્યાં કરો છો અને બોલતા નથી તે જોઈ હું પ્રસન્ન થાઉં છું. પણ એ લોકની પુસ્તકીયા બુદ્ધિનો પટ તમારા મન ઉપર બેસી જાય નહી તેની સાવચેતી રાખજો.”

મણિરાજ – “એ બુદ્ધિને પ્રધાનજીનો અનુભવ ચાળી નાંખે છે, અને આપના જેવાના સમાગમકાળે તેમાંના કુપથ્ય ભાગ નીકળી જાય છે.”

ખાચર – “એટલું બસ છે. બાકી જે વિષયની આજ વાતો ચાલતી હતી તેના સંબંધમાં ચક્રવર્તીની રાજનીતિની વાતો તો ઠીકઠીક છે. પણ એમના અધિકારીઓમાં સારાનરસા આવે છે અને આપણને અકળાવે છે તેનું શું કરવું એ વીશે તમે કેવો વિચાર કર્યો છે?”

મણિ૦ – “સત્ય પુછો તો મ્હારે તેમની સાથે એવી તકરાર હજી સુધી નથી પડી. વડીલ મહારાજે પરરાજ્ય સાથે અથડાઅથડી ન થવાના માર્ગ રચી મુકેલા છે તેની પ્રનાલિકાએ ચાલતાં અમને બહુ સુખ પડે છે. આપ સુચવો છો એવી તકરારનો મ્હારે પ્રસંગ જ નથી આવ્યો, પણ દેવઈચ્છાથી એ પ્રસંગ આવશે ત્યારે આપ કઈ નીતિ દર્શાવશો તેનો પ્રકાશ પાસે રાખીશ.”