આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાના હૃદયમાંથી છોડતો નથી તેને મ્હારું કૃપણ હૃદય પણ છોડી શકતું નથી. અરેરે! મ્હારે જ માટે એણે લક્ષ્મીનો ત્યાગ કર્યો, પિતાજીનો ત્યાગ કર્યો અને મ્હારો પણ ત્યાગ કર્યો. હવે તો માજીનું તેજ મ્હારા હૃદયના આ અંધકારને નષ્ટ કરે તો હું રાંક પુરી જંપુ." બોલનારીના હ્રદયમાંથી ઊંડો નિઃશ્વાસ મુખની વાટે નીકળ્યો.

પ્રિય વાચનાર, આ બોલનારીને ત્હેં ઓળખી હશે. બાવી ચંદ્રાવલીના પ્રયાસથી ડુબેલી કુમુદસુંદરીનું શરીર હાથ આવ્યું હતું, એના ઉપચારથી એ જીવી હતી, અને ચારેક દિવસ થયાં એના મનનું સમાધાન કરવાને પણ એજ બાવીની પ્રીતિ મથતી હતી. કુમુદનાં સંસારસંસ્કારી ભીનાં વસ્ત્ર નદીમાં નાંખી દેઈ માતાની પ્રસાદીની આછી હીરાગળ ચુંદડી એને પ્હેરાવી હતી તે પશ્ચિમ સમુદ્રની લ્હેરથી ફરફર ઉડતી હતી અને દુઃખી બાળકીની સુંદર નાજુક શરીરવલ્લરી એવા સંર્ગથી પણ વધારે સુંદર પ્રિય લાગતી હતી. એની સર્વ વાતો ચંદ્રાવલીએ સાંભળી લીધી હતી. માત્ર પ્રમાદધન અને સરસ્વતીચંદ્રનાં નામથી તેમ પોતાના અને માતાપિતા અને શ્વશુરકુટુંબના નામથી કુમુદે એને અજાણી રાખી હતી અને તેને માટે ચંદ્રાવલીની ક્ષમા માગી લીધી હતી. સટે ચંદ્રાવલીએ - એનું નામ મધુરી પાડ્યું હતું, દયા અને વ્હાલ આણી ચંદ્રાવલી એ કુમુદને શાંત કરવા માંડી.

“મધુરીમૈયા ! આ બેટમાં આવતા પ્હેલાંનું પાણી આ સ્વર્ગનું દ્વાર સમજ, અને એ દ્વારમાંથી આ માજીના ધામમાં તું આવી ત્યાંથી મૃત્યુલોકનો ત્હેં ત્યાગ કર્યો એમજ તું સમજ. જેવો એક પુરુષ ત્હારા હૃદયમાંથી ખસ્યો તેવો જ બીજો પણ ખસશે એટલી માજીના ઉપર શ્રદ્ધા રાખ.

કુમુદના મુખ ઉપર સંધ્યાકાળની છાયા પડતી હતી તેવીજ એના હૃદયની પણ છાયા પડતી હતી. કાંઈ ઉતર દીધા વિના, પાછળ ઉગતા ચંદ્રની કૌમુદી, આગળ સમુદ્ર ઉપર, ચાદર પેઠે પથરાતી હતી તેટલુંજ એ જોઈ રહી.

ચંદા૦- “બ્હેન મધુરી ! આ જોઈ ચંદ્રની પ્રભા ? પાછળ આ ચંદ્ર તો જો !”

“શું ચંદ્ર મ્હારી પાછળ છે ?” ભડકીને કુમુદે પાછળ જોયું, અને ચમકી જાગી પાછી આગળ દૃષ્ટિ કરતી ભ્રમર ચ્હડાવી ગાવા લાગી.