આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

લાભના નક્ષત્રયોગ ઉપરથી પક્ષપાત થયો તે તેની બુદ્ધિ અને વિદ્વત્તા ઉપરથી વધ્યો. ”

કુમુદસુંદરીને જાગૃત થયલી જોઈ, ચંદ્રાવલી બોલી. “મને લાગે છે કે હવે આપણે માજીની સેવાનો આરંભ કરીયે, મધુરીમૈયા, માજીની એક મૂર્તિ વિશ્વરૂપ સાકાર છે; બીજી સાકાર મૂર્તિ એ આકારમાં સમાયલી તે, પ્રતિષ્ઠાથી, પ્રતિમામાં આવાહન પામેલી છે. અમ જોગી કુળની પ્રજાનો વિસ્તાર મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ બાવાના કાળથી નાથકુળને નામે ઓળખાય છે. એ બે મહાયોગીયોના શિષ્યોએ આપણા જેવાં સામાન્ય મનુષ્યોને માટે પટયેાગનો ઉપદેશ કરેલ છે. તે એવી રીતે કે શ્વેતગોળ પટ સામે બાંધવો અને યોગીએ બ્હાર ફરતી ઇન્દ્રિયોમાં આવાહન પામેલી અંત:કરણની વૃત્તિઓને એ ઉજ્વળ પટમાં યુક્ત કરવી, અને એ વૃત્તિઓના આકર્ષક પદાર્થમાત્રની એ પટમાં જ પ્રતિષ્ઠા કરવી, એટલે વૃત્તિયો તેમાં જ યુક્ત ર્‌હેવાની એટલો યોગ અભ્યસ્ત થાય એટલે એ પટને સર્વ પાસથી કાપવો અને ફરી તેમાં એ ને એ જ પદાર્થોની પ્રતિષ્ઠા કરી ફરી યોગ આરંભવો. એ પ્રમાણે એ પટનો છેક ન્હાનો અંશ ર્‌હે ત્યાં સુધી યોગ કરવો. અંતે પટનો નાશ કરી નિરાકારમાં યોગ કરવો. સામાન્ય પ્રજાને આટલા યોગમાં પણ કઠિનતા પડી, ત્યારે ઈન્દ્રિયમય આકારને પ્રત્યક્ષ રાખી ઈન્દ્રિયોના વિષયોની તેમાં પ્રતિષ્ઠા કરવા માંડી અને એ પ્રતિમાના સત્વસ્થાને દેવચરિત્રની પ્રતિષ્ઠા કરી દીધી. બેટા મધુરી ! નાથકુળના યોગ પછી આમ પ્રતિમાયોગ સાધુજનોએ સાધનહીન મનુષ્યોને માટે દર્શાવ્યો. નિરાકાર પુરુષના યોગને માટે શાલિગ્રામ, શિવબાણ, આદિ ગોળ એટલે નિરાકાર જેવા પટના યોગ જેવા યોગ દર્શાવ્યા કે શિવજીના સ્વભાવવાળા શિવજીનો યોગ સાધે અને વિષ્ણુના સ્વભાવવાળા તેમનો યોગ સાધે. એ પણ જેને દુઃસાધ્ય થાય તેને માટે પંચાયતન દેવના આકારના યોગ દર્શાવ્યા. આપણ સ્ત્રીયોની બુદ્ધિયોને માટે, ગોળ અને પૌરુષ પ્રતિમાઓનો યોગ અનુચિત ગણી, માજીની સુન્દર સ્ત્રીપ્રતિમાનો યોગ દર્શાવ્યો છે. સર્વે સુંદર પદાર્થો, સર્વે પ્રિયજન, અને ત્હારા મનનો માનીતો પુરુષ: એ સર્વની માજીના રૂપમાં પ્રતિષ્ઠા કરી લે અને એ યોગથી આ સંસારસાગરને તરી જા. પટયોગના છેલા કડકાનો યોગ થાય તેમજ માજીના ચરણકમલનો યોગ થાય ત્યાં ભક્તિયોગ સધાયો ગણવો, અને માજીના હૃદયકમલમાં સર્વ પ્રિય પદાર્થોની પ્રતિષ્ઠા થઈ જાય ત્યાં