આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬

ઉપર ચ્હડી શકશે ? એ શ્રાન્ત થશે અને એને વિશ્રાન્તિ આપવા તમારે વિશ્રાન્તિ પામવી પડશે.”

કુમુદ૦– “માજી મને એટલું બળ નહી આપી ર્‌હે ?”

ભકિત૦ – “આપશે જ. અને આ નાજુક ચરણ થાકી જશે તે ત્હારી ન્હાની સરખી સુંદર કાયાને અમે અમારા હાથમાં ઉપાડી લેઈશું – ન્હાની પુષ્પકળીને માળણ ઉપાડી લે તેમ. દુલારી માધુરી ! અમારાં કદ્રૂપાં શરીર ત્હારા જેવીનો આમ યોગ પામી સુંદર દેખાશે. સુન્દરતાનો યોગ સર્વને સુન્દર કરે છે! ચંન્દ્રાવલીમૈયા ! આ સૂચના અવશ્ય સ્વીકારો.”

ચંદ્રા૦ – “એ સર્વ તમારી પ્રીતિને યોગ્ય જ છે; પણ મૈયા, દુલારીને મ્હારી પાસેથી છુટી કરતાં મ્હારી છાતી ચાલતી નથી. એના હૃદયઉપરથી દુઃખનો ભાર હજી ઉતર્યો નથી અને સમુદ્રમાંથી એને માજીયેજ ઉગારી લીધી તે તમે આજ જ જોયું છે. તમારી જોડે આવી એ એકલી પડશે અને માજીયે શાન્ત કરેલા એના કાળજામાં જમની જેગણીઓ જાગશે એવું મને ભય ર્‌હે છે. માટે હાલ તો એને ર્‌હેવા જ દ્યો.”

કુમુદ૦- “ચંદ્રાવલી બ્હેન, જે માજીયે આજ જ એ જોગણીયોને હાંકી ક્‌હાડી છે તે જ માજી એવી જ કૃપા ફરી કરશે. મને મ્હારા હૃદયને કંઈક વિશ્વાસ આવવા લાગ્યો છે.”

ભક્તિ૦– “મૈયા, અમે એને સાચવી લઈશું. યદુશૃંગની સુન્દરતામાં મહાલક્ષ્મીનો જ વાસ છે અને માજીની એ સુન્દરતા મધુરીને નવે જીવ આપશે. એને વ્હીલી મુકતાં અમારે જ આવી મધુર દીકરીનો વીજોગ વેઠવો પડશે. અમે એને પળવાર પણ વ્હીલી નહી મુકીયે.”

ચંદ્રા.– “ભલે ત્યારે પણ જોજો ! મ્હારા જીવનો જીવ તમારા હાથમાં ર્‌હેશે.”

સર્વે નિદ્રાવસ્થ થયાં. ઇષ્ટપ્રસંગની પ્રાપ્તિથી કુમુદ પણ નિદ્રામાં પડી. ચંદ્રના શીતળ સુન્દર કિરણ એના શરીર ઉપર સ્વચ્છન્દ ગુપ્ત વિહાર કરવા લાગ્યા, અને એના હૃદય ઉપરના યુગ્મ અવયવની વચ્ચેના અંતરાલ ભાગમાં સંચાર પામી, રામકૂપનાં છિદ્રોમાં પડી, એના હૃદયના અંતર્ભાગમાં સરી જઈ, નવીન સૃષ્ટિ રચવા લાગ્યા.