આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫

લણશો ને તમારાં સુખદુ:ખ તમે જાતે ભોગવશો – તે મ્હારે માથે નહી. શાસ્ત્રના વચન પ્રમાણે પુત્રને સોળે વર્ષે મિત્ર ગણવો ને સ્ત્રી ઘેર આવે ત્યાંથી મિત્ર થાય. તેને સટે દેશરીવાજ પ્રમાણે મ્હેં ગંગા વહુ વીશ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમને બાળક ગણ્યાં ને તેમને ત્યાં સુધી રમાડ્યાં પણ ખરાં ને રોવડાવ્યાં પણ ખરાં. ત્યાર પછી એ અધિકાર છોડી તેમને કુલ અધિકાર આપેલો છે, એટલે હવે તમારે કે ઘરમાં કોઈએ એવી આશા ન રાખવી કે ઘરકુથલીના ન્યાયના કડાકુટમાં ચંદ્રકાંત પડે. બાકી આપણી મિત્રતા તો મરતા સુધીની ઠરી તેથી તમારી વાતો સાંભળવા અને માગો ત્યાં તમને સારી શીખામણ આપવાને આપણે કેડ ભીંડીને તૈયાર છીએ. તમારે જે જોઈએ તે માગવા તમારી સ્વતંત્રતા છે. તમે ઘેલું માગો છો કે ડાહ્યું માગો છો તે વિચારવાનું કામ તમે મિત્ર થયા પછી હું હાથમાં રાખતો નથી. કારણ પુરુષ જે ઈચ્છે તે ડાહ્યું અને સ્ત્રી જે ઈચ્છે તે ગાંડું એ શાસ્ત્ર હું માનતો નથી. ન્હાનાં છોકરાંની પેઠે મ્હોટી ઉમરની સ્ત્રીઓને પણ સ્વામીની ઈચ્છાના સાંકડા ચીલામાં કેદ કરી ચલવવી એ વાત મિત્રધર્મથી ઉલટી છે અને એમાં જગતનું કલ્યાણ પણ નથી, કારણ પુરુષ કરતાં સ્ત્રીયો ડાહી હોય એવું પણ હોય છે અને સ્ત્રીપુરુષ એ બે મિત્રોએ સંસાર એકઠો ચલાવવો હોય અને બે જણે સુખી થવું હોય તો બે જણે કાળજાં ઉઘાડી એક બીજાને શાણપણ આપવું અને પુરુષે સ્ત્રીનું કહ્યું કરવું કે સ્ત્રીએ પુરુષનું કહ્યું કરવું તેના કરતાં બેમાંથી જે ડાહ્યું હોય તેનું ચાલે એ કરવું સારું છે. મ્હારા કરતાં ગંગાવહુ ડાહ્યાં છે એમ હું માનતો નથી, પણ એમની પોતાની બાબતમાં હવે એ સગીર નથી માટે જાતે વહીવટ કરે એવા મ્હેં ઠરાવ કર્યો છે. તમારે અને ઘરનાં માણસને કજીયા થાય ત્યાં તમારે તથા તેમને જેવો વહીવટ કરવો હોય તેવો કરવો. લ્હડીને કે લ્હડ્યા વગર કળા વાપરીને જે જીતશે તેનું ચાલશે. આપણે એ કડાકુટમાં પડવાના નથી ને સઉ તમને અને તેમને સોપ્યું. ઘરમાં વહીવટ તમારો તેમાં હું વચ્ચે નહી પડું, અને ઘરબ્હાર વહીવટ મ્હારો તેમાં તમને પુછવાનો નથી. તમારો આ વહીવટ કરવામાં જે માગશો તે આપીશ. પણ કુવામાંથી ખુટે ને તમે તરસ્યાં ર્‌હો તે હવાડાનો વાંક નથી.”

“સરસ્વતીચંદ્ર બાબત તમે લખ્યું તે બરાબર છે. લોકો ધારે છે કે એ બાપ ઉપર રીસાઈને ન્હાસી ગયા, પણ તમે ખરી વાત સમજ્યાં