આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
“કર્યું એ સર્વ પળમાંહે.
"હૃદયને મંત્ર એ સર્વે.
“પિતા સઉને તુ કલ્પે.
“હૃદયની દીપવાલી એ,
“હૃદયની રમ્ય ભાતિ એ,
“પ્રભુ ! ત્હેં કલ્પી ! ત્હેં પ્રેરી !
“પ્રભુ ! ત્હેં ગ્રન્થિ ઉકેલી !
“સફળ એ સર્વે કરજે તું !
“પિતાનું સુખ ભરજે તું !
“શરીર આ દુઃખતત્પર છે,
“હૃદય આ શેાકસત્કર છે :–
“પિતાના સુખ કાજે તે,
“પિતાની શાન્તિ માટે તે.
“પ્રભુ ! માગું ! રડી માગું.”
“સફળ એ વાસના માગું !”

ઉઠી, આંખો લોહી, વિચારમાં પડી, બોલી ઉઠ્યો:

“પ્રિય કુમુદ ! આ યજ્ઞ ઉપર બલિદાનમાં તું હોમાઈ! કુલીન પ્રમાદધન ! ત્હારા ભાગ્યશાલી મુખમાં એ બલિ-હોમ થયો છે અને મ્હારા હૃદયમાં એ આહુતિ રસસાયુજ્ય પામે ! પ્રિય કુમુદ ! એક ચંદ્રકાંતના દુઃખમાં અનેક નરરત્નનાં દુઃખ અને એક રંક કુમુદનાં દુ:ખમાં અનેક સ્ત્રીરત્નનાં દુઃખ દેખું છું - નક્કી – નક્કી મ્હારા ભાગ્યહીન દેશમાં -

"ધરતી રસ-સુન્દર કોમળતા,
“ફળ-પુષ્પ ધરે નહી નારી લતા !
“રસપોષણ સૂર્ય વિના ન બને !
“ધનરાશિ અચેતન મુજ રહે !”

બીજો એક પત્ર લીધો. તે ચંદ્રકાંતના મ્હોટા ભાઈનો લખેલો હતો. એ ભાઈ નિરક્ષર જેવો હતો અને કાપડીયાને ત્યાં નામું લખતો, એ કાગળના ઉપલા ભાગ ઉપર અંહી તંહી દૃષ્ટિ ફેરવી વચ્ચેથી વાંચવા માંડ્યું.

“ભાઈ મ્હારે મ્હોટે મ્હોંયે ન્હાનડીયાંની વાત કરવી ઘટારત નહી, પણ કાળજું બળે ત્યારે લખી જવાય. માજીનું કહેલું ભાભીને ભાવતું નથી.