આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯

જ્યાં સુધી બીજું નુકસાન ન હોય ત્યાં સુધી જુવાનીયાં વાજું મનસ્વીપણે ચાલે તો બાધ નહીં. પણ પઈસાની બાબતમાં તો પુરુષોનું ચાલવું જોઈએ. અમે તો પાઈએ પઈસે ભેગું કરીયે તેને રુપાનાણાનું ખરચ કાળજે વાગે. તમે ઘણું ભેગું કરો પણ ખરચો ઝાઝું, તે જાતે ખરચો ત્યાં સુધી નભે; પણ તમારાં બઈરાંયે તમારી પેઠે ખરચવા માંડે એટલે અમે તમે સરવાળે સરખા થયા ગણવા. બીજું, તમે સુધારાવાળા કન્યાઓને માટે મ્હોટા ને ભણેલા વર જુવો, પણ અમે તો એવું જાણીયે કે ન્હાના મ્હોટા થશે ને ભણેલા ભીખ માગે છે અને માત્ર જેનો ઓરડો ભરેલો હશે ત્યાં કન્યા આપીશું તો એના રોટલાની ફીકર નહી કરવી પડે, માટે કીકીની વાતનો જે વિચાર કરવો હોય તે કરજો ને બાયડીયોને બ્હેકાવશો તો ખાવા ટળશે. પછી આજ કાલ તો ઘેરે ઘેર રાણીનું રાજ્ય છે તેમાં ભાઈભાંડુ બોલે તે નગારાંમાં તતુડીના નાદ જેવું થવાનું તે જાણીને તતુડી વગાડીએ છીએ. કારણ કાળજું બળે છે ને બોલાવે છે.”

આ કાગળ નીચે પણ ચંદ્રકાંતના અક્ષર હતા.

“ભાઈજી, લખો છો તે સત્ય છે. શું કરીયે? ન્હાનપણમાં પરણાવ્યા ત્યારથી નગારાપાસે બેઠા છીએ તે નગારું આણનાર પણ તમે અને આજ નગારાથી કંટાળો છો તે પણ તમે. સુધારાવાળામાં હું ભળ્યો છું તે પણ સત્ય છે. મને તમે ભણાવ્યો ન હત તો સુધારામાં ભળત પણ નહી, અને તેની સાથે તમને પંદર રુપીઆ મળે છે તેટલા જ મને મળતા હત, એટલે આવ ભાઈ હરખા આપણે બે સરખા થાત. વાણીયાવિદ્યા કરી ઈંગ્રેજી ભણાવ્યો તે વધારે કમાઈ થાય છે ને તેમાંથી તમારે માટે મ્હારા પટારા ઉઘાડા રાખ્યા છે. અમે સુધારાવાળા રાણીજીની વફાદાર રૈયત, તે રાણીજીની વહુવારુઓને બ્હેકાવીએ નહીં તો અમારા ઉપર રાજદ્રોહનો આરોપ આવે ને સુધારાવાળા અમને કાળે પાણીયે ક્‌હાડે. માટે સાસુજીને જેઠનાથી જેટલું ખરચાય તેટલું ખરચો તેમાં તમને કોઈ ના નહીં ક્‌હે, અને વહુવારુ ખરચે તેમાં સાસુ કે જેઠે ન બોલવું. આમ છે, માટે આપને ફરીયાદ કરવાનું કાંઈ કારણ નથી. મઝા કરો. મ્હારી પાસેથી ખુટશે ત્યારે તમારે મને આપવું નથી અને મ્હારે તમને આપવું નથી – તેવું ખુટે ત્યારે એમ જાણજો કે બાર વરસ મને ભણાવ્યો તે બાર વરસ મ્હારી કમાઈ મ્હેં સઉ પાસે ભોગવાવી અને તેરમે વર્ષે ભણ્યાનો બદલો પુરો થઈ રહ્યો.”