આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
“જગદુદ્ધારણને કાજ !
“ઓ પ્રિયા ! ભુલી મુજ દોષ,
“ત્યજી પ્રીતિમાયાત્રિદોષ,
“ધરી હૃદય સત્ય નિર્વાણ,
“કરી ઉદારદૃષ્ટિ તે કાળ,
“દેજે તું ક્ષમાની ભિક્ષા !
“લેજે તું બુદ્ધની દીક્ષા !
“એ મહાધર્મને કાજ ત્યજી પ્રીતિસાજ, સુકવી મુજ આંસુ,
“લોહીશ હું જગનાં આંસુ, પ્રિયા થઈ બુદ્ધ તું પણ ત્યજ આંસુ ! મુજ૦

આટલું ગાઈ રહ્યો ત્યાં આસપાસની પત્થરની ભીંતોમાંથી એક પાસથી કુમુદસુંદરીની છાયા ચાલી આવી બીજી પાસની ભીંતમાં અદૃશ્ય થઈ ગઈ. એ ભીંતોના શિખર ઉપર ઉગેલા એક મહાન વૃક્ષની શાખા લટકતી લટકતી ભીંતના મધ્ય ભાગ આગળ હીંચકા ખાતી હતી તે શાખાના છેડા આગળના પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ અને પિતાને ઘેર જોયેલી છબીના સાદૃશ્ય ઉપરથી ન્હાનપણમાં ખોયેલી જનનીની છાયા ઓળખાતાં પુત્રની આંખમાં આશ્ચર્ય અને અશ્રુ ઉભરાયાં. મૃત માતાનાં દર્શન થતાં પુત્ર સ્તબ્ધ થયો અને હાથ જોડી છાતી આગળ ધરી રાખ્યા અને શું બોલવું, શું પુછવું, ઇત્યાદિ વિચાર કરે છે ત્યાં શાખા ઉપર બેઠેલી માતૃછાયાના ઓઠ કુંપળો પેઠે ઉઘડવા લાગ્યા અને પાસેની કુંપળોમાં બેઠેલી કોકિલાના જેવા રાગથી ઉત્સુક, શાંત, અને કોમળ ઉદ્ગાર કરવા લાગ્યા. કોમળ હૃદયની માતા પિતાને મનાવતી હોય અને પોતે ન્હાનો બાળક હોય એવો સંસાર આ ક્ષણે આ મનસ્વી પુરુષના હૃદય પાસે ખડો થયો.

'*[૧]“પુત્ર મુજ ! જા તું ઘેર ! જાની એકવાર!
“ગમે તેવો છે ત્હોય તુજ તાત મુજ પ્રાણ ! પુત્ર ૦
“ઉભી ઉભી હું સ્વર્ગમાંથી જોઉં આંસુધાર
“વ્હેતી વ્હેતી અટકતી ન તુજ પિતાને ગાલ ! પુત્ર ૦
“ભેખ ભગવો લઈ ન જઈશ, જોઈ એને એ
“રોઈ મરશે હૈયાફાટ, દેહ ત્યજશે એ ! પુત્ર૦

  1. *રાગ-ફારસી બેત ઉપરથી.