આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

ઉપર કુટુમ્બજનોનો વિશ્વાસ વધારવો એ આપણું કામ છે. એ વિશ્વાસ ઉપજાવવાની કળા જાણનાર જગતમાં હોય છે તે મ્હારાં હાલનાં યજમાન ગૃહિણી ગુણસુંદરીનો ભૂત ઇતિહાસ સાંભળી હું બુદ્ધિગેાચર કરું છું. સાત્વિક વૃત્તિ, નિર્મળ પ્રીતિ, ધૈર્ય, ઉદારતા આદિ અનેક સદ્‌ગુણો આ વિશ્વાસ ઉપજાવનારમાં હોવાં જોઈયે. સામાન્ય મનુષ્યોમાં તે આવવાં દુર્લભ છે એ સત્ય છે. પણ આ સદ્‌ગુણોનાં પાત્ર મનુષ્યો દેશમાં શશશૃંગ પેઠે કેવળ દુર્લભ નથી એટલું જણવવાને માટે હું આ કહું છું."

"કુટુમ્બના શમ્ભુમેળા ન થતાં પ્રત્યેક મનુષ્ય પોતાનાં સ્ત્રી અને બાળક સાચવી જુદો ર્‌હે તો જે કલ્યાણ થવાનું તમે લખો છો તે પણ થાય તેની ના નથી. પણ એ માર્ગથી દેશને લાભ થાય એમ તમે સમજતા હો તો તે ભુલ છે એમ હું કહી શકતો નથી, પણ એ સિદ્ધાંત યોગ્ય શોધન કરી તમે બાંધ્યો નથી એટલું તો હું કહી શકું છું. હું તો એ પણ કહું છું કે એ માર્ગથી એ પુરુષ એક કલ્યાણ શોધી અન્યથા હાનિ પણ પામે છે. પછી એ હાનિ મ્હોટી કે લાભ મ્હોટો એ નીરાળો પ્રશ્ન છે."

"આ વિષયમાં કંઈક અન્ધહસ્તિન્યાયનો સંભવ છે. પણ સઉ અાંધળાઓના અનુભવને ખોટા ન ગણતાં એ અનુભવોનો સરવાળો કરીશું તો સત્ય જડવાનો સંભવ છે."

"હાલ આયુષ્યના વીમા ઉતરે છે, લગ્ન પ્રસંગ તથા ઉત્તરક્રિયાના વ્યયને માટે વીમા ઉતરે છે, અને એ વીમા વીમાસમાજો ઉતારે છે. કુટુમ્બને માટે પરસેવો ઉતારી પોતે રળેલું સર્વ દ્રવ્ય કુટુમ્બના પોષણમાં ખરચી મરી જનારની સ્ત્રી અને તેનાં બાળકનું પોષણ કરવા બાકી રહેલું કુટુમ્બ ઇચ્છે છે, એવું પોષણ ઘણા કાળ સુધી નહી તો થોડા કાળ સુધી આ કુટુમ્બ કરે છે, એ વાત જો સત્ય હોય તો આ મરનારનો વીમો પણ વગર ઉતરાવ્યે ઉતરાવ્યો સમજવો. તેણે કરેલો વ્યય આ વીમાને લીધે તેના મરણ પછી ઉગી નીકળે છે. ખરી વાત છે કે આ ફળ લેવાનો પ્રસંગ સર્વને નથી આવતો. પણ વીમાકંપનીએ ઉતારેલા વીમાનો લાભ મરીને લેવાનો તો થોડાંજ મનુષ્યોને હોય છે અને તેમની સંખ્યા ઝાઝી હોય તો વીમાકંપની દેવાળું ક્‌હાડે, આપણા કુટુમ્બો એ એક જાતની વીમાકંપનીઓ જ છે એમ સમજશો તો મ્હારો ભાવાર્થ સમજાશે."