આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧

સંપ્રદાય યુરોપની વર્તમાનલોકવ્યવસ્થા નીચે જ્વાળામુખી પેઠે ધુંધવાય છે અને એ વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવાને ધુમાડા ક્‌હાડે છે તે સંપ્રદાયને આપણા દેશમાંથી છિન્ન ભિન્ન કરી યુરોપની સ્થિતિ ઇચ્છવામાં આ દેશનું કલ્યાણ છે એમ હું કહી શકતો નથી. આપણો દેશ રંક છે, આપણું લોક શક્તિહીન છે, આપણું રાજ્યતંત્ર પરતંત્ર છે, અને આપણા કાયદા અને આપણું દ્રવ્ય પરદેશીઓની બુદ્ધિઓને અધીન છે, તેવે કાળે તમારા અભિલાષ સિદ્ધ થાય અને હિમાચળથી સેતુબંધ રામેશ્વર સુધી વસી રહેલાં કરોડો કુટુમ્બોને નિરાશ્રિત કરી રઝળતાં મુકી તેમનાં ઉદર ભરનાર સમર્થ કમાનારાઓ જુદા નીકળી પડે અને પોતાના એકલપેટા સ્વાર્થને વધારવા કે કુટુમ્બોના દોષ ક્‌હાડવા પ્રયત્ન માંડે તો ઘેર ઘેર કેવો ક્‌લેશ ઉભો થાય, આખી આર્ય ભૂમિમાં કેટલી અવ્યવસ્થા થાય, ચારેપાસ નિર્ધનતા અને અનાથતા અથવા નિરાશ્રિતતા વિપત્તિના વાદળ પેઠે ત્રુટી પડે અને બીજું શું શું થાય તે કલ્પાતું નથી ! આવી અવસ્થાના સાધનભૂત થવામાં ધર્મ છે કે અધર્મ છે તેનો વિચાર તમને સોપું છું ! પ્રિય ઉદ્ધતલાલ ! મ્હારી અને મ્હારી ગંગાની સંપત્તિ વધારવાને માટે મ્હારાં મૂર્ખ વ્હાલાંઓનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઉઠે છે ત્યારે તેમના જેવી આખી આર્ય પ્રજાની સ્થિતિ મ્હારા ચિત્તમાં આમ ખડી થાય છે, કુટુમ્બવત્સલતા મ્હારી દેશવત્સલતાને જાગૃત કરે છે, અને એજ દેશવત્સલતા પાછી મ્હારી કુટુમ્બવત્સલતાને દૃઢ કરે છે ! પ્રિય ઉદ્ધતલાલ ! મ્હારી બુદ્ધિ ઘણા ઘણા વિચાર કરે છે અને હૃદય ઘણી ઘણી વૃત્તિયોને અનુભવે છે. પણ અંતે એ સર્વ દુનીયાને છેડે મ્હારા આ ઘરમાં જ આવે છે.”

“અને – અને – એ ઘરનું, એ દુનીયાનું, એ વ્યવસ્થાનું કે અવ્યવસ્થાનું, અને એ પ્રજાનું, મન્થન મ્હારા હૃદયના ગોળામાં વધારે વધારે થાય છે તેમ તેમ એ ભાગ્યહીન હૃદયમાં તો છાશ ની છાશ જ ર્‌હે છે અને તેના ઉપર તરી આવેલું માખણ તો સરસ્વતીચંદ્રરૂપે ઉછળી પડી કોણ જાણે કયાંક જતું રહ્યું છે ! મ્હારું હૃદય વલોવાયલું નિરર્થક થયું !”

“કારણ ? હું સરસ્વતીચંદ્રના અભિલાષ જાણું છું અને એ અભિલાષ સિદ્ધ થાય તો મ્હારા સંપ્રદાયના અને તમારા સંપ્રદાયના સર્વના અભિલાષ સિદ્ધ થાય.”