આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮

રાખવું. યુવાવસ્થા–આદિ પ્રવાહો સ્વતંત્રતાને વધારનાર છે તે કાળે આવા રસથી જે કામ થશે તે શુષ્ક શિક્ષાપાઠથી નહી થાય, માટે એના વિચારરૂપ વ્યાયામને વધવાનાં સાધન ઉભાં કરવાં પણ તે એવાં હલકાં ન કરવાં કે પ્રમાદ થાય અને એવાં ભારે ન કરવાં કે અતિશ્રમ થાય, અને અંતે એના અવલોકનરૂપ જીવનનો પ્રવાહ ગંગા જેવો રાખવો, અર્થાત્ સર્વ કાળે શુદ્ધ અને જગત્‌ને પાવન કરનારો કરવો, અને સર્વગ્રાહી આકાશના પ્રતિબિમ્બનું સર્વાંગે પ્રતિબિમ્બ સંગ્રહનારો કરવો; પ્રાણીમાત્રની તૃષા ભાંગનાર, જીવન આપનાર, ચારે પાસની વનસ્પતિનો પોષક, અને હિમાચલ જેવા ઉચ્ચ સ્થાનમાંથી સર્વદા પ્રભવ પામતો એ પ્રવાહને કરવો ! સમુદ્ર જેવા વિશાળ અને પ્રાણ-પોષક પ્રયાણમાર્ગરૂપ ઈષ્ટાપત્તિને – અનેક ગુપ્ત પણ સતત નીતિઓથી – સાધક ગંગા-પ્રવાહ જેવો બાલક-બુદ્ધિના આ અવલોકનના પ્રવાહને કરવો. ગુણીયલ! શુદ્ધ વિદ્યાદાનનો માર્ગ અને પરિણામ આવો છે, અને પુત્રીનું સ્ત્રીત્વ અને પુત્રનું પુરુષત્વ લક્ષ્યમાં રાખી આ માર્ગ લેવાય તો તેના નિયમ ઉભયને સામાન્ય છે અને એ માર્ગ પુત્રમાત્ર અને પુત્રીમાત્રનાં જાતકર્મ આદિ સંસ્કારોમાંનો એક આવશ્યક સંસ્કાર છે, એ સંસ્કાર ન આપે તે માતા અથવા પિતા પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. આપણા લોક ક્ષુદ્ર થયા છે અને શુદ્ધ ધર્મ સમજતા નથી. પણ આ પવિત્ર ધર્મથી તું ભ્રષ્ટ થઈશ નહી ! એ વિષયમાં ત્હારા ધર્માધર્મમાં મ્હારો ભાગ છે, તું મ્હારી સહધર્મચારિણી છે, અને આટલા ધર્મનું કૃત્ય હું તને સોંપું છું, કારણ મને વ્યવહારમાંથી અવકાશ ઓછો મળે છે. પણ ઈશ્વરે સર્વ રીતિથી અનુકૂળતા કરી આપી, તેને પાત્ર થવા મ્હેં તને વિદ્યા આપી છે, અને તું પુત્રીને આપજે અને એની બુદ્ધિને સંસ્કાર પામેલા મણિ જેવી કરવાનો મ્હેં તને માર્ગ બતાવેલો છે. गृहिणी गृहमुच्यते. માટે આ ગૃહકર્મની સફલતા ત્હારા ઉત્સાહ ઉપર આધાર રાખે છે. તને આપેલી વિધાને લીધે આ ધર્મમાં તું મ્હારી સહધર્મચારિણી છે."

વિધાચતુરે કુસુમના સંબંધમાં આ શિક્ષા આપી હતી તે ગુણસુંદરીએ લખી રાખી જિવ્હાગ્રે કરી હતી. પુત્રીને વિદ્યા અને બુદ્ધિસ્વાતંત્ર્ય આપવાનું કારણ કોઈ પુછે ત્યારે પતિવ્રતા ઉત્તરમાં “પતિઆજ્ઞા” દર્શાવતી હતી. એ આજ્ઞાને કોઈ ભુલભરેલી ગણે ત્યારે પતિપ્રતિષ્ઠાનું સમર્થન કરવા આ શિક્ષાના અક્ષરોનો સારોદ્ધાર કરી સાક્ષરા જય પામતી, છતાં સ્ત્રીજાતિને સ્વાભાવિક ભીતિ તે