આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

ગુણસુંદરીના હૃદયને પુત્રીના સ્વાતંત્ર્યફલના સંબંધમાં નિરંતર કંપાવતી, અને પોતાની ભીતિ ખરી ન પડે એવું એ નિત્ય ઈચ્છતી. એ ભીતિ ખરી પડશે કે ખોટી એ શંકા ગુણસુંદરીને અને સુન્દરને નિત્ય થતી. એ શંકાનું સમાધાન કાળક્રમે અને કુસુમના પૂર્ણ વિકાસને અંતે જ થાય તેમ હતું, ભત્રીજીને માની ચિન્તા ઓછી કરવાનું ક્‌હેતાં ક્‌હેતાં સુન્દરનું હૃદય આ શંકાથી ધડકવા લાગ્યું, વગર અંકુશે ઉછરેલી કન્યાની બુદ્ધિમાં વિપત્તિધર્મનો બોધ કેવી રીતે સ્ફુરે છે તેનું અવલોકન અનુભવી વિધવા આતુરતાથી કરવા લાગી. એ આતુરતાને લીધે પોતાને પ્રશ્ને પ્રશ્ને કાકી ભત્રીજીનાં નેત્ર ભણી દૃષ્ટિ ધરવા લાગી, અનુભવહીન પણ મેધાવિની બાળાના ઉત્તરે ઉત્તરે તેના અક્ષરોદ્ગાર ભણી પોતાના કર્ણને એકાગ્ર કરવા લાગી, અને એ ઉદ્ગારકાળે અનેક વિકારો અનુભવતી પ્રિય વત્સાના નખથી શિખ સુધીના સર્વ ભાગો ઉપર સહજ સ્ફુરતી ચેષ્ટાઓને વત્સલ કાકી અનેક પ્રિય-ચિન્તક ચિન્તાઓથી વીજળી પેઠે સહસા, ત્વરાથી, સર્વત; અને ક્ષણભરમાં સુપ્રકાશિત કરવા લાગી.

કાકીનો પાલવ ઝાલી કુસુમ બોલી, —

"કાકી, તમે એમ સમજો છો કે ગુણીયલના દુ:ખમાં વધારો કરવા જેવાં મ્હારાં કૃત્ય છે?"

સુન્દર – ના, ત્હારાં કૃત્ય એવાં નથી, પણ ત્હારા વિચાર અને બોલ ગુણીયલની ચિન્તાઓ વધારે છે.

કુ૦- ત્યારે ગુણીયલ મને જાતે કેમ ક્‌હેતાં નથી?

સુ૦- ત્હારા પિતાજીની આજ્ઞા છે કે ત્હારા વિચાર જાણવા પણ રોકવા નહી; તેને વાળવા પણ મરડવા નહી.

કુ૦- ત્યારે એટલું તો ખરુંકની કે મ્હારા વિચાર નિર્દોષ છે?

સુ૦- હું કાંઈ પંડિત નથી. પણ આ વિચાર પ્રમાણે તું ચાલીશ તો વિપરીત કરી બેસવાની અને જાતે દુ:ખી થઈ બીજાને દુ:ખી કરવાની ! ઈંગ્રેજી ભણેલા પુરુષો ઘર ચલાવવા બેસે ત્યારે સ્ત્રીજાતે તેમની મરજી પ્રમાણે વર્તવું પડે, પણ એટલી તેમની આજ્ઞા પાળવાથી આપણાં કાળજાં કંપતાં મટે નહી.

કુ૦- જ્યારે મ્હારી ચિન્તા પિતાજી એક રીતે કરે અને ગુણીયલ બીજી રીતે કરે ત્યારે મ્હારે શું કરવું?

સુન્દરે કુસુમને જરીક ખસેડી અને એક બેઠક ઉપર બેજણ સંકડાઈને બેઠાં, સુન્દરે કુસુમને બગલમાં લીધી.