આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
अद्वैतं सुखदुःखयोरनुगुणं सर्वास्ववस्थासु यत्
विश्रामो हृदयस्य यत्र जरसा यस्मिन्नहार्योरसः ।
कालेनावरणात्ययात् परिणतं यत्स्नेहसारे स्थितम्
भद्रं तस्य सुमानुषस्य कथमष्येंकं हि तत्प्राप्यते ।।

હરિ! હરિ! મહાભુંડું દુ:ખ–

ગુ૦- "પુરુષ પુરુષનો સ્વાર્થ જુવે છે, પણ બે ભીંતો સાથે પડતી નથી અને સૌભાગ્ય સાથે ગયેલાં સૌભાગ્યદેવી તો ભાગ્યશાલી જ થઈ ગયાં. માત્ર સંતાનની દુર્દશાની ક્‌હેણી રહી ગઈ. મ્હારા વહાલા ! મને એમના જેવા મૃત્યુની વાસના છે. રાજ્યકાર્યમાં આપને મ્હારી જાત વિસારે પડશે. સ્ત્રીયોને તેમ નથી. મેનારાણીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છે."

વિ૦— "આપણા દેશમાં ત્હારે આવો ભેદ ગણવાનો અવકાશ છે. આપણા લોકનો વ્યવહાર આપણા સર્વ પુરુષોને માથે આ મહેણું ઉભું રાખે છે."

ગુ૦— "મ્હારાં વચનમાં એવી મર્મવેધકતા મુકું તો આપના સ્નેહને માથે આરોપ મુકતાં મ્હારોજ સ્નેહ વીંધાય. હું સોળે આની માનું છું કે યુરોપમાં આપણા જન્મ અને સંયોગ હત તો પણ હું આ જ વચન ક્‌હેત."

વિધાચતુર નરમ પડ્યો. "હું જાણું છું કે તને મ્હારા ઉપર દયા અને વિશ્વાસ સંપૂર્ણ છે. પણ શાસ્ત્રમાં ક્‌હેલું છે કે સ્ત્રીપુરુષ પરસ્પર પ્રેમ રાખે છે તે પણ આત્માને જ પ્રાપ્તકામ કરવા માટે છે, અને મને પાછળ મુકી પ્રથમ જવાની વાતને ઉકૃષ્ટ ત્હેં ગણી તે એવા જ કારણથી."

ગુ૦— "આજ સુધી હું તમારી પાસે હારી નથી તે આજ હારી, પણ ઓ મ્હારા ચતુર–, મરણ આવશ્યક છે જ તો જેનું જીવન વધારે લોકોપયોગી છે તે જ જીવનને લંબાવવાની વાસના ઘટે. આપના જીવનનો સદુપયોગ ક્યાં અને અમો સ્ત્રીયોનો ઉપયોગ કોણ માત્ર?"

વિ૦—"પર્વત મહાન હોય છે પણ તે કોમળ વસુંધરાથી છવાય છે ત્યારે જ પ્રાણીઓને ઉપયોગી થાય છે. જડ જેવા શૈલ સમુદ્રવચ્ચે ઉભા હોય છે ત્યારે તો માત્ર વ્હાણોના વિનાશના જ સાધક થાય છે."

ગુ૦— "હું બીજી વાર હારી ! ઓ મ્હારા ચતુર! હું દુઃખી છું. મને મ્હારો સ્વાર્થ ભુલાવતો હશે અને હું આપને દુ:ખનું સાધન થઈશ ! પણ સૌભાગ્યદેવીના જેવું જ મૃત્યુ હું ઈશ્વર પાસે માગું છું ! મ્હારા હૃદયમાં બીજી વાત પેંસતી નથી."