આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧


ભારમુકત થવાથી સ્વસ્થ થઈ હોય તેમ તે ઉભી થઈ અને ધીરે રહી બોલી: “ पतिसाहचर्यात्पतिव्रता पतिवृताऽपि भवति. ઓ મ્હારા વ્હાલા ચતુર, ઓ મ્હારા વ્રતરૂપ ! આપનું વૃત્ત તે જ મ્હારું વૃત્ત જેથી થાય અને આ૫ણું અદ્વૈત સર્વરૂપે થાય એવું આપનું સાહચર્ય મને આપવા આપ તત્પર થાવ ને હું અભિનન્દું નહી તો તો પૂર્વનો સૂર્ય પશ્ચિમમાંજ ઉગશે ! આજ સુધીના અનેક સુખદુ:ખમાં જ્યાં ત્યાં पतिरेव गतिः स्त्रीणाम् તેનો અનુભવ મ્હેં કરેલો છે અને આપે કરાવેલો છે, અને ન્હાણપણમાં માતાપિતાને તેમ આ વયમાં સંતાનને પણ આપની પ્રીતિ અને આપની આજ્ઞા કરતાં હું વધારે લેખતી નથી. તેમની સંભાળ ઈશ્વરને સોંપી અને મ્હારી સંભાળ આપને સોંપી ! ”



પ્રકરણ ૧૦.
કુસુમની કોટડી.


માતાપિતાની વિશ્રમ્ભકથા કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મ્હોટો ધક્‌કો લાગ્યો.

પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં, અને સુન્દર-ઉદ્યાનમાં એક બારી પડતી હતી ત્યાં કઠેરે ટેકો દેઈ ઉદ્યાનના લાંબા વિસ્તાર ઉપર દૃષ્ટિ નાંખતી ઉભી. કાને પડેલા શબ્દોએ એને દિઙ્મૂઢ બનાવી દીધી અને તે શબ્દોએ ઉત્પન્ન કરેલી કલ્પનાએ એનાં આંસુને ગાલ ઉપર જ સુકવી દીધાં અને તેના ડાધ બારીમાં આવતા તડકાએ ચળકાવવા માંડ્યા. એની રોષભરી આંખોની રતાશ લીલા ઝાડોની ઘટા ઉપર પડતાં નરમ પડી અને ઝાડ ઉપર પડતા તડકાના પ્રતિવમનને બળે એના મનની કલ્પના પણ શ્રાન્ત થઈ અને શ્રાંતિને બળે શાન્ત થઈ ગઈ. આ સર્વ સ્થિતિ પામતાં તેના વિચાર બીજી દિશામાં વળ્યા.

“પિતાજી અને ગુણીયલ – બેમાંથી કોઈનો વાંક ક્‌હાડવા જેવું નથી - તેઓ મ્હારા સ્વાર્થનો જ વિચાર કરી મ્હારે માટે જ આટલો ક્‌લેશ પામે છે. મ્હારા મનની સ્થિતિ તેમને વિદિત હોય તે તેમનો ક્‌લેશ પણ દૂર થાય અને મ્હારું ધાર્યું પણ મને મળે !”

“આ ઝાડની ઘટાથી અને આ તડકાથી મ્હારો ક્‌લેશ દૂર થયો. ફ્‌લોરા ક્‌હેતાં હતાં કે દેખીતી સૃષ્ટિદ્વારા પણ ઈશ્વર પ્રકટ થાય છે