આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮

જોઈ હૃદયમાં ગૌરવ આવતું. અન્ય દેશી રાજાઓની દુષ્ટતા જોઈ એ હૃદયમાં શોક ઉભરાતા. તેમની મૂર્ખતા, પ્રમત્તતા અને ભયંકર અવ્યવસ્થાનાં ચિત્ર દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ થતાં એનાં નેત્રમાંથી અશ્રુધારાઓ અપ્રતિહત ચાલતી. ઈંગ્રેજ અધિકારીઓમાંના સુજ્ઞ અને ઉદાત્ત વર્ગના આશ્રયનું પોતે આસ્વાદન કરેલું હતું તે સ્મરણમાં આવતાં આશાના કિરણ દૃષ્ટિમર્યાદા તળે સંતાયલા કોઈ સુર્યના બિમ્બમાંથી નીકળતા લાગતા ઈંગ્રેજ સરકારની રાજ્યનીતિ જોઈ તેના મસ્તિકમાં ઘડીક અવ્યવસ્થા થતી અને ઘડીક શાંતિ થતી. આવા ચાર પાંચ દિવસ ગાળ્યા, અને તે પછી એક દિવસે મધ્યાન્હવેળાએ આશા અને નિરાશા વચ્ચે દોલાયમાન થતો યુવાન્ રાજા મલ્લમહાભવનના કુરુક્ષેત્રભવન નામનાં ખંડમાં એક છેડેથી બીજા છેડા સુધી આવજાવ કરતો હતો.

આ અમલ્લહાભવનની મૂળ યોજના મલ્લરાજે કરી હતી. રાજ્યમાં “બાંધકામ” અથવા “પબ્લિક વર્ક્‌સ”નાં ખાતાં આજ ઈંગ્રેજી પદ્ધતિથી ચાલતાં જોવામાં આવે છે. દેશ અને નગરની શોભા વધારવી અને સાર્વજનિક ઉપયોગમાં દ્રવ્યવ્યય કરવો એવા બે હેતુથી આજકાલ એ ખાતાનાં ધોરણ પ્રવર્તે છે. ઈંગ્રેજી રાજ્યમાં એ ઉભય હેતુ ધ્યાનમાં રખાય છે અને ઉપયોગ પ્રધાન વસ્તુ ગણાય છે અને શોભા ગૌણ ગણાય છે ત્યારે દેશી રાજ્યોમાં ગમે તો શોભા પ્રધાન ગણીને એક માર્ગે ઉદારતા રખાય છે અને ગમે તો પ્રધાન અને ગૌણ ઉભય ભેદને સરખા ગણી ઉભય વિષયમાં કૃપણતા રખાય છે એવો એક કાળે વિદ્યાચતુરનો અભિપ્રાય હતો. મલ્લરાજની સાથે આ વિષય ચર્ચતાં તે મહારાજે વિશેષ એ બતાવ્યું કે દેશી રાજ્યોની મ્હોટી સંખ્યામાં તો આજકાલ એવું જ જોવામાં આવે છે કે રાજાઓ અને તેની જાતની સેવા કરનારાઓના નિવાસના અને ભોગનાં સ્થાનને જ શોભા આપવી અને અનેક રાણીઓ અને રાજપુત્રોના લગ્નાદિ પ્રસંગોમાં ને ભોગવિલાસોમાં પ્રજાના દ્રવ્યનો નાશ કરવો એ કાર્ય જ આજકાલ પ્રધાન ગણાય છે, અને તેમાં પણ જતે દિવસે થોડા ખરચે થતા દેશી રીતના ભોગવિલાસને સ્થાને જતે દિવસે ઈંગ્રેજી ધમકની પોલી શોભા, ટુંકા આયુષ્યના પદાર્થો, અને તાત્પર્યને સ્થાને દેખાવ ઉપર પ્રીતિ, એ ત્રણ વસ્તુઓ હાલનાં વ્યયમાં અનેકધા વૃદ્ધિ કરશે. વૃદ્ધ આચારને વળગી ર્‌હેનાર વૃદ્ધ કે વિચારથી શૂન્ય યુવાન રાજપુત્રવર્ગ, પ્રજાનું સપત્નીકર્મ કરવામાં તત્પર અને રાજાએાનું અને રાજકુમારોનું રાજત્વ અને મનુષ્યત્વ ચુસી લેવામાં સ્વાર્થ અને વિલાસ સમજનારી રાણીઓ અને રાજકુમારીઓ, અને એવાં એવાં અનેક ભયસ્થાન દેશી રાજાઓને શિર ઝઝુમે છે અને સત્કાર્યને સ્થાને દુ:સ્થિતિનું દર્શન કરાવે છે તેનો આલેખ મલ્લરાજે વિધાચતુરને દર્શાવ્યો