આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩


“ગુરુજીની આજ્ઞા છે કે આ૫ણા આશ્રમના સર્વ મર્મ-ગ્રન્થ આમારા નવીન જૈવાતૃકને બતાવી દેવા તો આ પોટકું તો તુચ્છ વાત છે. જી મહારાજ, આ પત્રમાં શો ઉદ્ગાર છે તે જાણવાને અમને અધિકાર છે ?”

વિહારપુરીનાં પ્રીતિવાક્ય સાંભળી સરસ્વતીચંદ્રના નેત્રમાં જળ ઉભરાયું; “પવિત્ર પ્રિય વિહારપુરી ! તમે જેવો મ્હારા ઉપર ઉપકાર કરો છો એવોજ ઉપકાર મારાપર કરનાર મ્હારો એક મિત્ર રત્નનગરીમાં મ્હારે માટે ભટકે છે તેના આ નામાક્ષર છે અને તેનું જ એ પોટકું હશે.”

“વાહ ! મહારાજ ! તો એ રત્નનો પણ આપણે સત્કાર કરીશું. આજ્ઞા હોય તે હું અત્ર વેળા ત્યાં જાઉં !”

“તમારી પ્રીતિ મ્હારે માટે શું નહી કરે ? વિહારપુરી ! ત્યાં તમારે જ જવું એવો મેળ નથી. ગુરુજીની સેવામાં તમારી ન્યૂનતા કોઈ પુરે એમ નથી. માટે ગમે તે પણ કોઈ દક્ષ ગોસાંઈ રત્નનગરી જાય, મ્હારા મિત્ર પ્રધાનજીના અતિથિ છે તેને મળે અને પ્રધાનજી જાણે નહી એટલી યુક્તિ કરે, અને બને તો મ્હારા સંબંધી કાંઈ પણ કિંવદન્તી સંભાળાવ્યા વિના મ્હારા મિત્રને આ દિશાએ આકર્ષી આણે એવી મ્હારા ચિત્તની આતુરતા છે.”

“એ તો અલખ જગાવનારાઓનો સહજ ઉદ્યોગ છે. ”

“એ મિત્રનું નામ ચંદ્રકાંત છે. તે મુંબઈથી આવેલા છે. તેઓ અવ્યક્ત આકર્ષણથી ન જ આકર્ષાય તો તેમને એકલાનેજ મ્હારું અભિજ્ઞાન થાય એવી સંજ્ઞાઓ હું આપું તે તેમને તટસ્થપણે સંભળાવવી.”

“શી સંજ્ઞાઓ ? બોલો જોઈએ.”

વિચારમાં પડી, નેત્ર મીંચી, થોડી વારે નેત્ર ઉઘાડી સરસ્વતીચંદ્ર બેાલ્યો.

“ચંદ્રકાંત એકલા હોય ત્યાં જઈ અલખ જગવતાં જગવતાં બેાલવું કે

"નહીં કાન્તા-નહીં નારી, હું,
ત્હોય પુરુષ મુજ કાન્ત !
જડ જેવો દ્રવતો શશી,
સ્મરી રસમય શશિકાંત.”

નેત્ર મીંચી, ઉઘાડી, વિહારપુરી બોલ્યોઃ