આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮


વિદ્યા૦- “આ કૌરવભવન પાછળ વિદુરભવન છે - તે અમારા અતિથિવર્ગને અને મિત્રોને મળવાનું સ્થાન. એ અમારો Visitors and Friends' Hall તમે દીઠો છે. આ સર્વે ભવનો ઉપર એક માળ છે. તેમાં સઉથી પાછળ સુભદ્ર ભવન છે. સુભદ્રા અથવા મહિષી આસન, પરિક્ષિત અથવા યુવરાજ આસન, ધનસમૃદ્ધિસત્તાસન, અને વિચક્ષણ- જનસંબંધ આસન - એવાં ચાર આસન એ ભવનમાં છે અને એ ચારે ભદ્રના યોગથી રાજઅંગનું ને પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય છે. તે ભવન મુકી આગળ મનુષ્યદેહભવન, મોક્ષભવન, અને ચક્રવર્તી ભવન છે. ચક્રવર્તી ભવનમાં સરકાર પ્રતિ અમારા આ સામ્રાજ્યનાં અંશરૂપે ધર્મ અને અધિકાર વિચારાય છે; સરકારની નીતિ, સરકારની ક્રિયા; અને સરકારના ઉદ્દેશ અને ઉપદેશ - તે સર્વના સંગ્રહ અને વિચાર થાય છે, અને સરકારના મ્હોટા અધિકારીઓને, ચક્રવર્તીના અને અમારા સંબંધ પ્રમાણે, સત્કારસમારંભ થાય છે. મોક્ષભવનમાં ચાર આસન છે. ધર્મ અને ભક્તિથી નિર્વાણ, મોક્ષથી નિર્વાણ, રણક્ષેત્રથી નિર્વાણ અને મૃત્યુના અન્ય માર્ગ, એવાં આસનો આ ભવનમાં છે અને મધ્યભાગે કોઈ જીવન્મુક્ત મહાત્મા આવે તેને માટે વ્યાસાસન છે. ત્રીજું ભવન મનુષ્યદેહ ભવન છે, તેમાં રાજદેહ, રાજ્યભ્રષ્ટ મનુષ્યદેહ, કારાગ્રહાયુષ્ય, અને ઉત્તરાશ્રમાયુષ્ય – એવાં ચાર આસન છે.

“સર્વથી છેલું આ આપણે બેઠા છીયે તે કુરુક્ષેત્ર – અમારો “કાઉન્સિલ હોલ ” છે. મધ્યે આ વૃદ્ધ મહારાજ મલ્લરાજની મૂર્તિ આ સ્તમ્ભ ઉપર તમે દેખો છે. સ્તમ્ભની ચારે પાસ આ રાજ્યના ભૂતઇતિહાસનાં સ્મારક ચિત્ર છે. મહારાજ મૂર્તિના હાથમાં આ ચક્ર ફરે છે. જેટલાં આ ભવન છે તેટલા દાંતા આ ચક્રને છે અને દરેક દાંતમાંના દુરદર્શક કાચથી એકેકું ભવન પ્રત્યક્ષ થાય છે. ચક્ર એ આ રાજ્યવેધશાળાનું વેધદર્શક યંત્ર છે. આ પવિત્ર મૂર્તિની પાસે મંત્રિમંડળસહિત બેસી મહારાજ રાજ્યકાર્યના વિચાર કરે છે અને પિતાના યોજેલા ભવનોમાંથી એક પણ ભવન અને એક પણ આસનને ઉપદેશ ભુલાય નહીં તે વીશે સાવધાન રહે છે.

ચંદ્ર૦- ત્યારે આ ક્ષેત્રના અને ભવનના ઉદ્દેશમાં કાંઈ ફેર છે?

વિદ્યા૦- અમારે સર્વને માટે પ્રસ્તુત કાર્યને સબંધે ભેગા વિચાર કરવાને કુરુક્ષેત્ર છે, મહારાજના એકાંત વિચારને માટે, એકાંત કાર્યને માટે અને એકાંત અભ્યાસ માટે for self-training - આ સર્વ ભવનો છે.