આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮

બાવી હતી. બીજી બાવીઓ એનાથી નીચી હતી અને એક વામનરૂપ ઠીંગણી બાવીને બાદ કરતાં બીજી સર્વ કુમુદથી ઘણી ઉંચી હતી, અને ઠીંગણી હતી તે સટે ઘણીજ જાડી હતી. કુમુદનાથી કાળાં તો સર્વ હતાં, પણ પરસ્પર કાળાશ વધતી ઘટતી હતી. જો રંગમાં જ રૂપ આવી જતું ન હોય તો એકબે સ્ત્રીયોમાં સુન્દરતા અને લાવણ્યના ચમકારનો અતિશય હતો. સર્વ બાવીઓનાં વસ્ત્ર તો ભગવાં જ હતાં. માત્ર કુમુદે માતાની પ્રસાદીની ચુંદડી પ્હેરી હતી તે ધોળાં ટપકાંવાળી કસુમ્બલ અને રેશમી હતી, એનાં નિત્યનાં વસ્ત્ર એક ધોળા ન્હાના કડકામાં બાંધી ઠીંગણી બાવીએ સાથે લીધાં હતાં. સુવર્ણપુરમાં જે અલંકાર પ્હેરેલા હતાં તે પહેરીને જ એ ડુબી હતી અને તે અલંકાર અત્યારે પણ એના શરીર ઉપર હતા. શરદૃતુની વાદળીઓ વચ્ચે ચન્દ્રલેખા જેવી દેખાતી કુમુદ આ બાવીઓની વચ્ચે એક પથરા ઉપર બેઠી હતી.

ભક્તિમૈયા કુમુદની પીઠે હાથ ફેરવતી હતી.

"બેટા મધુરી, આજના જેટલો શ્રમ તો ત્હારે કોઈ દિવસ પણ લેવો નહી પડ્યો હોય?"

"ના, પણ અત્યારે સાધુજનની સંગતિ, અને થોડીવાર પછી પવિત્ર સ્થાનનાં દર્શનની આશા, એ બે લાભની પ્રાપ્તિથી આ શરીરનો શ્રમ તેમ મનનાં દુ:ખ બે વાનાં ભુલી જાઉં છું. મૈયા, યદુશૃંગ હવે કેટલે છેટે હશે ?" કુમુદે પ્રશ્ન પુછયો.

"હજી તો આપણે અર્ધો માર્ગ આવ્યાં. આવ્યાં એટલું ને એટલું બાકી રહ્યું."

"મધુરી મૈયા, ત્હારા કોમળ ચરણ શ્રાંત થયા છે – કમળની ચોળાયલી નાળો જેવા થયા છે - હું તેનું જરી મર્દન કરું": ઠીંગણી બાવી બોલી ને કુમુદના પગ ચાંપવા લાગી.

"વામની મૈયા, આપણા ચરણ સરખા જ છે. મ્હારા શ્રાન્ત થાય તો તમારા પણ શ્રાન્ત જ હશે. માટે રહેવા દ્યો." મન્દ લીલાથી તેના હાથ ખસેડતી ખસેડતી કુમુદ સ્મિત કરી બોલી.

મૈયા, મ્હારા ચરણ છે તો ત્હારા જેવડા પણ લોખંડના થાંભલા જેવા કઠણ છે. ને શ્રમ ઢાંકવા તું મ્હોં મલકાવે છે, પણ કમળપત્ર જેવા મુખમાં જે કોમળતા છે તે કંઈ કઠણ થઈ શકે છે ?" વામનીએ ચરણ છોડ્યા નહી.