આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦


આ પુરું થાય એટલામાં તે તુમડી ઉપર બાંધેલી એક તારની સાજક[૧]એકજણી પાસથી લેઈ સજજ કરી તેમાં આ કડીઓ મોહની ઉતારવા લાગી. ગાયન અને વાદિત્રના સ્વર પ્રભાતની લક્ષ્મીમાં પ્રસરવા લાગ્યા ત્યાં વામની ઉઠી.

"બ્રહ્માણી, મહાલક્ષ્મી, અને રુદ્રાણી જેવાં તમે ત્રણ જણ એક બીજાને બાઝીને બેઠાં છો ત્યાં મને પણ આનંદની ઊર્મિ ચ્હડી આવે છે. મધુરી મૈયા ! મહાસાગર અને ગિરિરાજ વચ્ચે સૂર્યવિનાના આ કોમળ મધુર આકાશ જેવી તું અમને પ્રિય લાગે છે. ત્હારા હૃદયનાં દુઃખ અમે કાલ રાત્રે જ દીઠાં છે. અમ સાધુજનના સ્થાનમાં ત્હારાં જેવાં દુ:ખ છેક અપરિચિત નથી, પણ અમે દુ:ખને પણ યદુનન્દનનો પ્રસાદ ગણી ભોગવીએ છીયે. સુંદરતા અને પ્રીતિ એ પણ અમારે ત્યાં પરિચિત છે, એટલું જ નહી, પણ તમે સંસારી જનો જયારે પ્રીતિ કર્યા પ્હેલાં વિવાહ કરો છો ત્યારે અમો સાધુજન હરિભજનમાં લીન રહીયે છીયે, પુરુષને ન પરણીયે તો શ્રી અલખને શરણે રહીયે છીયે, અને શ્રીકૃષ્ણ પરમાત્માને ત્યાં મહાલક્ષ્મીની કુખમાં જન્મેલો મન્મથ અમારાં અંત:કરણમાં જાગે છે તો તેની પવિત્ર આજ્ઞાને વશ થઈ વિવાહ પણ કરીયે છીયે, ભગવાન્ મન્મથનાં દીધેલાં દુઃખમાં પણ કાંઈક જુદી જ મધુરતા છે, એનાં આપેલાં સુખદુઃખ અમે ભોગવીએ છીએ તેથી ત્હારી સ્થિતિ સમજીએ છીએ અને તને તેમાંથી ઉગારીશું. જો અમારા સ્નેહનો પરિણામ શ્રીઅલખમાં આવે છે તે સાંભળ અને જો સ્નેહ કરે તો અમારા જેવોજ રાખજે. દુઃખ, શ્રમ, ઇત્યાદિ વિચાર છોડી દે અને અમે જે પ્રદેશમાં તને લેઈયે છીયે તેના પ્રેમનું કીર્તન સાંભળ."

વામની કુમુદના સામી ઉભી રહી જરીક નૃત્ય કરતી ગાવા લાગી, બંસરી તેમાં રાગ ભેળવવા લાગી, અને મોહની સાજકનો સ્વર ભેળવવા લાગી.

[૨]જોની, સુંદરી મૈયા અલખની !
સુન્દર લખરૂપ તું !
  1. “ભરથરી”_ (ભર્તુહરિના અનુચર) લેાકમાં સાજક નામની સારંગી ઘણું ખરું વપરાય છે.
  2. "જનની જીવો ગોપીચંદની' - અને ‘જોગ લીધો રાજા ભરથરી’ – એ રાગ