આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
નાચી રહી માયા લખતણી,
તેમાં મન્મથશર તું ! – જોની૦
હૃદય કોરે, મૈયા, પુરુષનાં,
પીતી લખરસ પાન તું;
એ રે હૃદયમાં સરી જતાં
ધર અલખને પ્રકાશ તું !- જોની૦
પ્રીતિ કરીને, મૈયા, પુરુષમાં
ત્હારો અલખ જગાવની !
યદુનંદન પ્રભુના આનંદમાં
શુદ્ધ સ્નેહોને નચાવની ! જોની૦
એ રે લ્હાવો સંસારનો,
એ છે સ્નેહને સારજી !
એ રે સુન્દર પન્થ મુક્તિનો
કોમળ અબળાને હાથ જી.–જેની૦ ”

વામનરૂપ પણ કિન્નરકંઠી સાધુસ્ત્રીનું ગાયન મોહનીની સાજકના કોમળ સ્વરમાં ભળ્યું, એનાજ વામન પણ ચતુર ચરણનું નૃત્ય અને લાલિત્યકળાવાળા શરીરના હાવભાવ એક થઈ ગયાં અને કણ્ઠ અને તન્ત્રી ઉભયના સ્વરોને પોતાનામાં લય પમાડવા લાગ્યાં. ગાય છે કોણ ને વગાડે છે કોણ ? ગવાય છે શું ને વાદિત્રમાં ઉતારાય છે શું ? બે સ્વર બોલે છે કે એક ? કંઠ બોલે છે કે તન્ત્રી ? આ સર્વે પ્રશ્ન નિષ્ફળ થાય, પ્રશ્નો સુઝે જ નહી – એમ ગાયનસામગ્રીનો સંવાદ થયો. નવા પ્રાતઃકાળનું કોમળ તેજ, મંદ પવનની મિષ્ટ શીતળ લહરી અને અનેક સ્વર અને ચિત્રોથી ભરેલા પણ સજીવ એકાકાર પટ જેવા લાગતા ગિરિરાજનો આનતિ–પ્રદેશ,- એ સર્વ સંગીતની આ મધુર કલિકાના પ્રસરતા પરાગથી તન્મય થવા લાગ્યાં. સર્વ સાધુ સ્ત્રીઓ તેનાં પવિત્ર રમણીય આનંદમાં ક્ષણવાર લીન થઈ ગઈ - નવીન રસથી ધૂર્ણાયમાન થવા લાગી. પણ તે જ પદાર્થ કુમુદસુંદરી ઉપર ભિન્ન અવસ્થાનું નિમિત્ત થઈ પડ્યા. વામનીના સંગીતમાંનાં લખ અલખમાં તેને કંઈ સમજણ પડી નહી, પણ તેમાં દર્શાવેલા પ્રેમાળ સ્ત્રીના ઉત્સાહનાં મર્મ એનાં મર્મને અચિન્ત્યાં વલોવવા લાગ્યાં. ક્ષણ ભુલાઈ ગયેલો પુરુષ ક્ષણમાં પાછો સ્ફુરી આવ્યો. એ પુરુષના પ્રિયતમ અભિલાષે પ્રથમાવસ્થામાં રસ અને ઉત્સાહથી પોતાના કાનમાં અને હૃદયમાં ભરાયાં હતા, એ