આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩

ત્વરાથી સાવધાન અને સ્વસ્થ થઈ ઉભી. ભક્તિમૈયા માર્ગ આગળ જરા આગળ આવી અને તેણે તથા રાધેદાસે યદુશૃંગના સાંકેતિક અભિવંદનનો ઉચ્ચાર કર્યો. “નન્દકો નન્દને એક આનન્દ દેત હય !” આ ઉચ્ચારની ગર્જના સરસ્વતીચંદ્ર અને કુમુદ વિના બાકીના સર્વ મંડળે કરી અને વધારી તે ગર્જનાને કાળે તેમાં ન ભળેલાં બે જણની દૃષ્ટિ એક બીજા ઉપર સ્વાભાવિક રીતે વળી. ગર્જના તેનું જ કારણભૂત થઈ. ભગવાં વસ્ત્રમાં ઢંકાયલો પ્રિયજન તેને શોધનારીથી અલક્ષિત કે અનભિજ્ઞાત રહી શક્યો નહી. કુમુદે તેને ત્વરાથી ઓળખી લીધો, સરસ્વતીચંદ્રે તેને જોઈ, મુખમુદ્રા અને અન્ય સર્વાકારથી દૃષ્ટિ આગળ કુમુદસુંદરી જ ઉભી લાગી; પણ આ સ્થાને એ હોવાનો સંભવ કોઈપણ રીતે નથી એમ ગણી સ્ત્રીજન ભણીથી નેત્ર પાછું ખેંચી લેવા - નિવૃત્ત કરવા – પ્રવૃત્તિ થઈ, પણ સર્વરૂપે ઇષ્ટ પ્રતિભા જણાઈ તેના ભણીથી નયનને નિવૃત્ત કરવા હૃદયની શક્તિ રહી નહી, અને એ પ્રવૃત્તિનિવૃત્તિનો પરસ્પર વિરોધ ટાળવા કુમુદનાં અશ્રુપૂર્ણ નેત્રના દૃષ્ટિપાત અશક્ત નીવડ્યા.

श्यामास्वङ्गं चकितहरिणीप्रेक्षणे दृष्टिपातम्
वक्त्रच्छायां शशिनि शिखिनां बर्हभारेषु केशान् ।
उत्पश्यामि प्रतनुषु नदीवीचिषु भ्रूविलासान्
हन्तैकस्मिन् क्वचिदपि न ते चण्डि सादृश्यमस्ति ॥ *[૧]

વિયોગી નાયકોને જેનું સર્વદેશીય સાદૃશ્ય આમ જડતું નથી તેવા દર્શનનું સર્વતઃ સાદૃશ્ય આ સ્થાને જોઈ સરસ્વતીચંદ્ર સ્તબ્ધ થયો, સ્થિર થયો, અને માત્ર દૃષ્ટિને અસ્થિર ર્‌હેવા દેઈ ઉભો રહ્યો. યદુનંદનની ગર્જનાઓ શાંત થઈ એટલામાં આ સર્વે વિચારો અને વિકારો ગર્જનામાં ન ભળતાં શાંત ર્‌હેનારનાં હૃદયમાં અને શરીરમાં આવો ઉન્માદ રચી રહ્યા, સાધુજનોના મુખમાં ગર્જના હતી અને હૃદયમાં શાંતિ હતી. આ બે સંસારી જનોનાં હૃદયમાં મન્થન હતું અને મુખ ઉપર દેખાતી શાન્તિ હતી.

આ હૃદયમંથનનું કારણ થયેલી ગર્જના બંધ થઈ તેટલામાં કુમુદ સાથેનું સર્વ સ્ત્રીમંડળ પુરુષોને ઘેરીને ઉભું અને પ્રશ્નોત્તર થવા લાગ્યા.


  1. * માલતીમાધવ