આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭

દિશામાં બળથી વળી અને તેને કુમુદ પરોક્ષ થઈ માત્ર “મધુરી, બેટા મધુરી ” એટલા શબ્દો બે વાર કર્ણમાં પેઠા અને પછી તેના ભણકારા રણકારો કરી રહ્યા. સર્વ સ્ત્રીઓ પોતાની પાસે આવી છતાં કુમુદની દૃષ્ટિ હઠ કરી યોગીઓની પાછળ જ ગઈ સરસ્વતીચંદ્રના પગના પાછલા ભાગમાં ઠરી, પગ અદૃશ્ય થતાં તેના અંચળા ઉપર ચ્હડી, તે અદૃશ્ય થતાં તેના મસ્તકના પાછલા ભાગમાં ઠરી, અને તે અદૃશ્ય થતાં આંસુની ધારાઓમાં ઢંકાઈ જાતે અદૃશ્ય થઈ. સાધુજનોના કોમળ દયાળુ પ્રશ્નોને ઉત્તર આપવાને સટે તે વિકળવદનથી તેમના સામું જોઈ રહી. સર્વ સ્ત્રીઓ એક બીજાના સામું જોતી જોતી, પળવાર એક બીજાની સાથે ધીમે ધીમે કંઈક ચિંતાતુર વાતો કરતી કરતી એકમત થઈ અને તેને અંતે ભક્તિમૈયાએ કુમુદને ઉપાડી લીધી, છાતી સરસી ડાબી દીધી, અને જાતે પગે ચાલવાના હેતુથી એની પાસેથી ઉતરી પડવાના કુમુદના શરીરના આગ્રહી પણ કોમળ પ્રયાસને નિષ્ફળ કરી દેઈ આ ઉંચા બલવત્ શરીરવાળી ભક્તિ અન્ય સ્ત્રીઓ સાથે ગિરિરાજ ઉપર ચ્હડવા લાગી.

આ તરસ્થાનસુધી આવતાં જેટલો મ્હોટેથી તેમનો વિનોદ ચાલતો હતો તેટલીજ ધીમેથી અત્યારે એમની પરસ્પર ગોષ્ઠી અટકી અટકી જરી જરી થતી હતી અને તેમાંથી કંઈક શબ્દો ભક્તિના ખભા ઉપર પડેલી કુમુદના કાનમાં જતા હતા.

“તારામૈત્રક જ !” બંસરી મોહનીના કાનમાં ભણી.

“આંખના તારાઓનું કે આકાશના તારાઓનું ?”– તેમના મુખ અને કાન વચ્ચે માથું ઘાલતી પગની પ્હાની ઉપર ઉંચી થતી થતી વામની ઉતાવળું ઉતાવળું પણ ધીમેથી બોલી.

તેને ખસેડી નાંખતી નાંખતી બંસરી ગણગણી – “નક્ષત્રોનું મૈત્રક તો નક્ષત્ર જાણે, પણ કીકીયોને તો બળવાન વ્યાધિ લાગ્યો.”

વામની વળી ઉછળી અને તેમના કાનમાં બોલી –“ વ્યાધિ લાગ્યો આધિ લાગ્યો, લાગ્યો મદનઉપાધિ.”

મોહની સર્વને ખસેડી આંસુ સાથે બોલતી સંભળાઈ, “શ્રીકૃષ્ણ પરમાત્મા કરે તે ખરું. ક્યાં એ યોગીનો યોગ અને ક્યાં આની પ્રીતિની મધુરતા ? – બાકી તારામૈત્રક તો નિઃસન્દેહ જ!” નિ:શ્વાસ મુકતી મોહની ભક્તિની પાછળ ચાલી.