આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦

જાતનું ન હતું; પણ ચારે પાસનો ગામડા ગામનો દેખાવ તેના મન ઉપર કંઈ વિચિત્ર મુદ્રા પાડતો હતો. કુમુદસુંદરીને દીઠા પછી તે એજ છે એવે નિર્ણય થવામાં ઘણો બાધ હતો, પણ તેના સ્વરૂપના સંસ્કાર મસ્તિકમાંથી ખસતા ન હતા, એટલુંજ નહી પણ અનેક વિચારોને ઉત્પન્ન કરતા હતા. શિવાલયને જોઈ રાજેશ્વર અને ત્યાંનાં અનેક ઇતિહાસઅનુભવ મનમાં તરવરવા લાગ્યા. સહચારી બાવાઓની સાથે તે ગોષ્ઠીવિનોદ કરતો હતો તેમાં આ સર્વ સંસ્કાર ખડા થઈ વિઘ્ન નાંખતા હતા. વાર્તા કરતાં વચ્ચે વચ્ચે અધ અધ ઘડી સુધી કોઈ પણ બોલે નહી એવી વેળા પણ આવતી હતી. આવી મૌનભરી ઘડીઓમાંની એક ઘડી વહી જતી હતી તેટલામાં એક બ્રાહ્મણ મહાદેવનાં દર્શન કરવા આવ્યો, ઘંટ વગાડવા લાગ્યો, અને દર્શન કરી, ચોખા નાંખી, મંડપના બ્હારના પગથીઆ ઉપર બેસી પાઘડી ઉતારી બેઠો. દર્શન કરવા આવનાર બે ચાર છોકરાં તેની આસપાસ વીંટાઈ વળ્યાં.

“અલ્યા છોકરાઓ, જુવો, કહું છું તે સાંભળજો ને જિવ્હાગ્રે કરજો. બધા દેવ તો કપટી છે, પણ આપણા શિવજી તો મ્હારા જેવા ભોળા છે. માથામાં અક્કલ ન હોય, હાથમાં સ્વભાવ ન હોય, ને કાળજામાં ભાન ન હોય તે લોક શું નરકમાં પડે છે? ના ! અક્કલવાળાની સંભાળ અક્કલ રાખે ને ભાનવાળાની સંભાળ તેમનું ભાન રાખે. પણ તે કાંઈ ન હોય તે ભોળાઓની સંભાળ ભોળોનાથ રાખે ! ભોળાઓનો ભોળોનાથ તો અવતાર કે આકાર વગરનો ગોળ મટોળ એટલા માટે છે કે તેને ભોળાઓ જેમથી ઝાલે તેમ ઝલાય અને રાંકના પાણીની પૂજાથી તૃપ્ત થાય. માટે ડાહ્યા હો તો ભોળાને જ ભજજો !

ભોળા ભોળા શંભુ, વિજયાનું પાન !
ઘરનું ય ખરચ નહીં - સુવાને શ્મશાન ! બમ્ ભોળા !”

આમ બુમ પાડી આ બ્રાહ્મણ ઉઠ્યો અને બાવાઓ પાસે આવ્યો “ક્‌હો, બાવાજી, આજ અત્યારે અંહી ક્યાંથી ?"

"મ્હેતાજી, આ અમારી બેની મધ્યે બેઠેલા અમારા અતિથિ છે તેમને ગુરુજીની આજ્ઞાથી તમારું ક્ષેત્ર બતાવવા લાવ્યા છીએ." વિહારપુરીએ ઉત્તર દીધો.

મ્હેતાજી -(સરસ્વતીચંદ્રને નમસ્કાર કરી) આપનું નામ ?

સરસ્વતી૦ - (સામો નમસ્કાર કરી). નવીનચંદ્ર.