આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨

ગયો, છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો, અને નેત્રનાં આંસુ ખાળી ન શક્યો. પોતાની વાત ગુપ્ત રાખવાની શક્તિ ખસવા લાગી.

મ્હેતાજી – આપને આ સમાચારથી આટલું દુ:ખ થાય છે – આપ જ સરસ્વતીચંદ્ર તો નથી?

વિહાર૦- જી મહારાજ, જ્ઞાન અને વૈરાગ્ય એ શોકનાં શામક છે.

રાધે૦– જી મહારાજ, આ સમાચાર સાથે આપનો સંબંધ જાણીયે તો આપનાં દુઃખ હલકાં કરવાનો માર્ગ સુઝે.

વિહાર૦- ગુરુજી સંસારથી અને દુઃખથી મુક્ત છે, પણ એમના પ્રિયજનને દુ:ખથી મુક્ત કરવામાં સંસારને શૂન્ય નથી ગણતા.

સરસ્વતીચંદ્ર શોકને ડાબી શક્યો. તેનાં અશ્રુ દૂર થયાં, માત્ર મુખ ઉપર શોકની છાયા રહી. સર્વને એકઠો ઉત્તર આપવા પ્રયત્ન કર્યો, તેમ કરતાં કપાળે પ્રસ્વેદ - પરસેવો વળ્યો – તે લ્હોતો લ્હોતો બોલ્યો.

“સરસ્વતીચંદ્ર ન્હાસી ગયો તેની મને લેશ ચિન્તા નથી. આ મુંબાઈના સમાચાર નિષ્ફળ છે. પણ હું સુવર્ણપુરમાં ર્‌હેલો છું અને બુદ્ધિધનભાઈના સૌજન્યનું આસ્વાદન કરેલું છે તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો. સાધુજન, મ્હારું દુઃખ તો ગુરુજીએ દૂર કર્યું છે જ. હવે તેમને શ્રમ આપવાનો કંઈ અવકાશ નથી.”

મ્હેતાજીની જિજ્ઞાસા નષ્ટ થઈ. સાધુજન તૃપ્ત થયા. એટલામાં એક વણિક ગૃહસ્થ આવ્યો અને વિહારપુરીને નમીને બોલ્યો.

“મહારાજે મ્હારા ઉપર કૃપા ઓછી કરી દીધી કે પોતે અંહી પધારી મને ક્‌હાવ્યું નહી. પણ મ્હારી ભકિતઉપર પ્રભુએ જ નજર કરી ને મને આપનાં દર્શન થયાં. મહારાજ, ત્રણે મૂર્તિઓ રંકને ઘેર પધારી ભોજન લેવાની કૃપા કરે.”

વિહાર૦– શેઠજી, બ્રાહ્મણપાસે શુદ્ધ અન્ન કરાવો. પર્યટણ કરીને અમે પાછાં આવશું. – મ્હેતાજી, અમારી જોડે ચાલશો ?

મ્હેતાજી૦- શાળાની વેળા થતા સુધી સાથે આવી શકીશ. આપને ક્યાં ક્યાં જવું છે?

વિહાર૦– પવિત્ર અને રમણીય સ્થાન જેટલાં હોય તેટલાં જોવાં.

મ્હેતાજી– ત્યારે તો તેને માટે બે ત્રણ દિવસ જોઈએ.