આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪

તો કંઈક તેનો પ્રયોગ ખોટો. કંઇક હસવાનું તો કંઈક ક્રોધે ભરાવાનું ને કંઈક રોવાનું. ત્રીજા રાજકીય સમાચાર બીજાં દેશી રાજયોના. ત્યાં તો ગમે તો કોઈનાં વખાણનાં બુગાં ફુંકાય છે તો કંઈ કોઈને ગધેડે બેસાડાય છે. ત્હાડું ધાન ને ચાડીયું માણસ – બે વ્હાલાં લાગે તેમ પરનિન્દાની વાતો વર્તમાનપત્રોનો રોજગાર વધારનારી થઈ પડી છે. શું કરીયે ? જેવા રાજા તેવા લોક, ને જેવા લોક તેવા રાજા. એ બે જેવા તેવા તેમના કારભારી - એ ત્રણનાં જાન, જોડું, ને જાત્રા. પ્રજાઓ અભણ, રાંક અન્યાયી, અદેખી, અને વિઘ્નસંતોષી. અધિકારીયો સ્વાર્થી, ખુશામતીયા, પ્રમત્ત, ઉન્મત્ત, અને માણસથી ડરે પણ ઈશ્વરથી ન ડરનારા. રાજાઓ મૂર્ખ, આળસુ, દમ્ભી, સ્ત્રીલંપટ, દારુડીયા, પ્રજાને ડુબાવનારા, અને જાતે દેવામાં અને દાસેામાં ડુબનારા. વર્તમાનપત્રોની આ વાતો સાંભળી સાંભળીને હું કાઈ ગયો, અને કોઈ કોઈ વખત તો આ પુસ્તકશાળા બંધ કરાવવા પ્રધાનજી ઉપર લખવા વિચાર થાય છે, પણ બીજા વિચારથી કલમ અટકે છે. છાપુ વાંચવું ને મગજ ઉકાળવું. કાજી ક્યા દુબળા કે સારા શહેરકી ચિન્તા - તેવી આખી દુનીયાની ચિન્તા વ્હોરી લેવી.

સરસ્વતીચંદ્ર ગંભીર થઈ ગયો. ઉત્તર દીધો નહી. વાર્તા ચાલી નહી. માત્ર સઉને ચરણ ચાલતા હતા. આખા દેશના અનેક વિચારો એના મસ્તિકને અને હૃદયને વલોવવા લાગ્યા.

"મ્હારો દેશ ! મ્હારી કુમુદ ! મ્હારા પિતા ! મ્હારી મુંબાઈ ! - કુમુદ - દેશ" એવા અવ્યક્ત ઉચ્ચાર આના હૃદયમાં ઉછળવા લાગ્યા. આમ જતાં જતાં દેવાલયો માર્ગમાં આવવા લાગ્યાં અને શાંતિનો મેઘ ઝરમર ઝરમર વૃષ્ટિ કરવા લાગ્યો.

હવે માર્ગમાં બે પાસ ન્હાનાં મ્હોટાં દેવાલયની હારો આવવા લાગી. છેક ન્હાની દ્‌હેરીઓ ચાર પાંચ વ્હેંતની હતી તો મ્હેટાં દ્‌હેરાં એકાદ માળથી બબે માળ જેવડાં ઉંચા પણ હતાં. તેમની બાંધણી, તેમના ઘાટ, તેમનો ઇતિહાસ, તેમની વ્યવસ્થા અને વર્તમાન અવસ્થા – આ સર્વ વિષયની વાતો ચાલી ચાલનારાના પગનાં પગલાં જોડે પલટણોનાં પગલાં પેઠે સરખે વેગે આ વાતો ચાલી, અને સરસ્વતીચંદ્રના જાગેલા સાંસારિક સંસ્કારને ઘડી ઘડી ઝાંખા કરવા લાગી, “શું નવા યુગને બળે એક દિવસ આ દ્‌હેરા નવાં બંધાતાં બંધ પડશે અને જુનાંમાં પ્રતિમાઓને સ્થાને સમાજો ભરાશે અને સરકારની આફીસો બેસશે ?” પ્રશ્ન ઉઠ્યો તેવો ઉત્તર મેળવ્યા વિના જાતે સહજ શાંત થઈ ગયો.