આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫

ઉભી ઉભી એક સુન્દર મુગ્ધા ગાતી હતી. તેનાં વસ્ત્ર ભગવાં હતાં, પણ મુખ અને અવયવોમાં લાવણ્ય અને લાલિત્ય ઉભય હતાં. બે ત્રણ પુરુષો કેટલેક છેટેથી તેના સામી વિકાર ભરેલી દૃષ્ટિ કરી ઉભા હતા. પણ એની આશપાસ બીજી સ્ત્રીયો કીલ્લો રચી ફરી વળી હતી, એને વચ્ચેનો માર્ગ જરા વધારે રાખી તેમાં આ મુગ્ધાને રાખી હતી. એ બાળા ચંદ્રાવલીની ભાણેજ હતી, અને માશીનું અનુકરણ કરી કુમારી ર્‌હેવાનો નિશ્ચય કરી બેઠી હતી અને સાધુજનોમાં એવા નિશ્ચયવાળી સ્ત્રીયો મરતા સુધી પરણે નહી તેની નિન્દા થતી ન હતી. આ મુગ્ધા પોતાના મનથી શ્રીકૃષ્ણપરમાત્માને જ વરેલી હતી અને તેમ સમજી તેવા જ હાવભાવ કરી દેવને ઉદ્દેશી ગાતી હતી.

“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !
આવત મોરી ગલીયનમેં ગિરિધારી !”

ગલીને એક છેડે પોતે હોય ને બીજે છેડેથી પ્રિયજનને આવતો દેખી આંખોને હાથ તે છેડા ભણી લંબાવતી હોય તેમ કરવા લાગી અને પ્રિયજનને જોઈ શરમાતી મુગ્ધા મ્હોં સંતાડતી હોય તેમ અચિન્તી પાછી હઠીને મ્હોંપર લાજ તાણવા લાગી.

“મ્હેં તો છુપ રહી લાજ કુમારી,
“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !-
“મ્હેં તો છુપ રહી . . લાજ . . કુમારી . . આવત૦”

મ્હોડું ઉઘાડી નાંખી શ્રીકૃષ્ણને આલિંગન દેવા બે હાથ પ્રસારતી હોય અને ઉમંગમાં આવતી હોય તેમ કરી બોલી.

“વૃન્દાવનમેં મીલ ગઈ મોહન,
“છુપ રહી રાધે જ્યું પ્યારી ! આવત૦"

એ ગાતી ગાતી દોડી જઈ મૂર્તિના પગને બાઝી ચુમ્બવા લાગી.

વળી આઘી ખસી તેને દૃષ્ટિપાતથી લલચાવવા દષ્ટિ નાંખી, મન્મથન ઘેનમાં આવી ડોલતા મદનવશ પ્રિયને સમાનભાવથી ક્‌હેતી હોય તેમ લ્હેંકાતે ધીરે સ્વરે હાથ લંબાવી ધીમી ધીમી મૂર્તિ ભણી જતી ગાવા લાગી

“મીલ જાવ, મનમોહન પ્યારે !
“મોહન પ્યારે! નન્દદુલારે!–મીલ !–”

સરસ્વતીચંદ્રના હૃદયમાં વીજળીના કડાકા પેઠે ધ્વનિ થયો ! ૧ )