આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

યોગ્ય પ્રાસાદ – મ્હેલ –માં વિદ્યાચતુરને જવું પડ્યું હતું અને તે પ્રાસાદ નગરીની બ્હાર એક મ્હોટા ઉદ્યાનમાં*[૧] હતો. આ પ્રાસાદ અને ઉદ્યાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી, અને સંસ્કૃત તથા ઈંગ્રેજી વિદ્યાઓની રસિકતાને અનુસરી તેમાં સામગ્રી સજવામાં આવી હતી. નવા વૈભવને અનુસરી, દિને દિને નવા ગ્રન્થો – નવા અતિથિઓ – અને નવાં અવલોકનમાંથી સૂચનાઓ લેઈ સારગ્રાહિણી આ સામગ્રીઓમાં ફેરફાર કરતી. ગ્રીષ્મ, વર્ષા, અને હેમંતાદિ ઋતુઓ, પ્રાત:કાળ, મધ્યાન્હ, સાયંકાળ, રાત્રિના પ્રથમ પ્રહર, ચંદ્રિકાસમય, અન્ધકારસમય, મિત્રમંડળને ફરવા બેસવાના પ્રસંગ, રાજવર્ગ અને લોકવર્ગના મેળાવડા, સ્ત્રીવર્ગની સમર્યાદ ગોષ્ઠીઓ, દમ્પતીના એકાંત વિનોદવિહાર, સુખના ઉત્સાહ, શોકના અવસાદ, પ્રધાનચિન્તાને આવશ્યક વિચારોત્તેજક ઉત્સાહક સ્થાન, અને સ્ત્રીજાતની રંક ચિન્તાઓની ઝીણી જાળીઓની ગાંઠો ઉકલી જવા યોગ્ય ખુણાઓ: આવા અનેક પ્રસંગો, સ્થાનો, અને વિષયોને યોગ્ય કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, ન્હાનાં તળાવો, ઝાડોની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઉંડી ગુફાઓ, નીચાં કોતર, ઉંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મીનારાઓ: આ સર્વે આ ઉદ્યાનના જુદા જુદા ભાગમાં ગુણસુંદરીની ચિન્તાએ ખડાં કર્યા હતાં. પ્રધાનને પોતાની સમૃદ્ધિ સાચવનારી ૫ત્ની મળી એમ સર્વ કોઈ ક્‌હેતું. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌંદર્ય-ઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, બાલક–યુવાન-અને વૃદ્ધ, સર્વને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું; અને તેમનો સત્કાર કરી, તેમનાં હૃદય ઉધાડી, ચતુર પ્રધાન પ્રજાનાં સુખદુ:ખ સમજવા પ્રયત્ન કરતો, તેમનું પ્રોત્સાહન કરવામાં તેમ જ તેમને અંકુશમાં રાખવાનાં સાધન પામતો અને સર્વ લોક ઉપર ભયપ્રીતિનું રાજ્ય કરી, મહારાજની આજ્ઞાઓ સર્વત્ર વર્તાવતો, મહારાજના પિતાના હૃદયમાં પ્રજારૂપપત્ની પરનો પ્રણય ભરતો અને એ પ્રિયાને અનુનય કરવાની તત્પરતા અને દક્ષિણતામાં આ યુવાન નાયકને કેળવતો, પ્રજાના પ્રવાહની લગામો ઉદય-દિશા ભણી ખેંચતો, અને રાજ્યના મહારથિનું સારથિપણું સિદ્ધ કરતો. આ સર્વે ધર્મકાળે ગુપ્ત રહી ધર્મમાં વર્તતી એ ધર્મની સહધર્મચારિણી પતિના તેજનું આધાન ધરવા સમર્થ હતી, અને પત્નીહૃદયરૂપ ક્ષેત્રમાં પ્રધાનઉત્સાહનાં બીજ આ સોન્દર્ય-ઉદ્યાનમાં વવાતાં.


  1. *બાગ, વાડી,