આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭

સર૦- ભદ્રેશ્વરમાં. સુવર્ણપુર રહ્યા ત્યાં સુધી એમણે નવીનચંદ્ર નામ ધાર્યું હતું. બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ ર્‌હેતા હતા અને તે જ સંબંધમાં કાંઈ કારણ થવાથી પ્રમાદધનભાઈને ક્રોધ ચ્હડ્યો અને તેમણે ક્રોધમાં સમુદ્રમાં પડી આત્મહત્યા કરી.

ચંદ્ર૦– શું કારણ ?

સર૦– તે હાલ ઉપયોગનું નથી અને તેની કથા ગોપ્ય છે. જેટલી વાત કહી તેટલીનો પુરાવો આપણાં માણસોએ સુવર્ણપુરથી જ મેળવ્યો છે. હવે ગાડામાં બેઠા પછીનો પુરાવો છે. તેમની સાથે ગાડામાં અર્થદાસ નામનો પેલો બેઠો છે તે વાણીયો, તેની સ્ત્રી, અને એક બ્રાહ્મણ ડોશી એટલાં હતાં. સુરસિંહ અને ચંદનદાસે તેમને લુટ્યાં. સરસ્વતીચંદ્રે અર્થદાસની સ્ત્રીનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો. તેમ કરવા જતાં તેમને પોતાને મારી પછાડી ચંદનદાસ અને તેના સ્વાર ઘસડી ખેંચી લેઈ ગયાં. આટલી વાત નિશ્ચિત છે હવે પછી જે બન્યું તેની વાર્તા બે ત્રણ રૂપે આપણી પાસે આવી છે ને જ્યાં સુધી અમે તેનો નિર્ણય કરી શકીયે નહી ત્યાંસુધી ન્યાયના ધર્માસન પાસે આ કામ વસ્તુતઃ ચાલવું અશક્ય છે.

ચંદ્ર૦- એ શી વાર્તાઓ છે?

સર૦– પ્રથમ વાત પ્રમાણે સરસ્વતીચંદ્રને બ્હારવટીયાઓએ કતલ કર્યા છે.

ચંદ્રકાંત હૃદયમાં કમ્પયો. બ્હારથી અવિકારી દેખાયો.

સર૦- બીજી વાર્ત્તા પ્રમાણે અર્થદાસે મણિમુદ્રામાટે તેનું ખુન કર્યું. ત્રીજી વાર્તા પ્રમાણે તેઓ કોઈક સ્થળે વિદ્યમાન છે.

ચંદ્ર૦- તે તમારી ત્રીજી જ વાત સત્ય છે. બીજી વાર્ત્તા હું માનતો નથી. ત્રીજી અસત્ય ઠરે તો પ્રથમ સત્ય હોય.

સર૦– પ્રથમ વાર્ત્તા હીરાલાલ નામનો મુંબાઈનો માણસ કરે છે. તેના ક્‌હેવા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખુન બ્હારવટીયાઓને હાથે બ્રિટિશ હદમાં થયું છે - તેમ હશે તો આ કામ ત્યાં ચાલશે.

ચંદ્ર૦- હીરાલાલ લુચ્ચો છે - જુઠો છે.

સર૦– તે અસ્તુ. અમારાં માણસોની બાતમી પ્રમાણે અર્થદાસે ખુન કરેલું છે અને તે અમારી હદમાં થયું છે - પણ એ બાતમી જ છે – પુરાવો શોધવો બાકી છે.

ચંદ્ર૦- તે બાકી જ ર્‌હેવાનો છે.