આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯


સ્વાર્થને માટે એને મારી પાડશે અને ઈંગ્રેજી હદમાં કામ ચાલવાની અરજી કરવા હીરાલાલ ઘણુંએ સમજાવે છે, પણ અર્થદાસ બેનો એક થતો નથી ને અરજી કરતો નથી, હીરાલાલના મનમાં એવો પેચ છે કે અર્થદાસ ઈંગ્રેજી કોર્ટમાં જઈ સરસ્વતીચંદ્ર મરેલો કબુલ કરે અને પોતે ખુન નથી કર્યું પણ બ્હારવટીયાઓયે કર્યું છે એવું ક્‌હે – પછી એની પાસેની મણિમુદ્રાનાં અનુમાનથી કોર્ટ એને શિક્ષા કરે કે છોડે તેની હીરાલાલને બહુ પરવા નથી. સરકારી પોલીસ ધારે તો સરસ્વતીચંદ્રને, શોધી શકે એ નક્કી છે તેટલું જ એ પણ નક્કી છે કે તેઓ સરસ્વતીચંદ્રને શોધાવાનું ધારેજ નહી એટલી હીરાલાલે ચોકસી કરી છે.

ચંદ્રકાંતે ઓઠ પીસ્યા,“ ધૂર્તલાલ કેદમાં પડ્યો પડ્યો પણ આટલા દાવ રમે છે ! ઠીક ! પણ બગડેલી પોલીસ જેને શોધતી નથી તેનો શોધ તમે કેટલે સુધી કર્યો છે ?”

હસતો હસતો સરદારસિંહ બોલ્યો : “અમે પણ પોલીસ જ છીયે કની ? ઈંગ્રેજી પોલીસને હીરાલાલનું દ્રવ્ય મીઠું લાગે તે અમને કંઈ કડવું લાગવાનું હતું ?”

ચંદ્રકાન્ત- હું કાંઈ તમારા ઉપર એવો આક્ષેપ નથી કરતો.

સર૦– મુંબાઈગરી ભાષા આક્ષેપવાળી હશે – આપના મનમાં આક્ષેપ નહી હોય. પણ હશે. હવે આપની આતુરતા યથાશક્તિ તૃપ્ત કરીશું. જુવો, સાહેબ; ઈંગ્રેજી કોર્ટમાં આ કામ ચાલે ન ચાલે તેની ચિન્તા ચક્રવર્તીભવનને છે – અમારે સાધારણ રીતે ચિન્તા નથી હતી, પણ આ કામમાં તેમ નથી. મુંબાઈમાં તેમ અન્યત્ર શુદ્ધ અંતઃકરણવાળી પોલીસની વૃત્તિ એટલી હોય છે કે ખરો અપરાધી હાથમાં આવ્યો તો તેને જવા દેવો નહી – પછી ખરા આરોપ ઉપરથી કે ખોટા આરેાપ ઉપરથી મરે તેની પોલીસને ચિન્તા નહી.

“તમે પોતે પોતાને સર્ટીફિકેટ તો સારું આપો છે !” – ચંદ્રકાંત હસી પડ્યો ને બોલ્યો. સરદારસિંહ ગંભીર મુખ રાખીને જ ઉત્તર દેતો ગયો.

“હાજી, ન્યાયાધીશોની આંખોમાં તમે પક્ષવાદીઓ ધુળ નાંખો તે અંજાય તો ભલે, પણ અમે ન અંજાઈયે. પણ આ ચર્ચા પડતી મુકી માંડેલી કથા પુરી કરવી સારી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં સરસ્વતીચંદ્ર ર્‌હેતા હતા તે જ ખંડની જોડે પ્રમાદધનભાઈનો ખંડ હતો. આ સંબંધમાં સુવર્ણપુરમાં અનેક સાચી ખોટી વાતો ચાલે છે, અને આ કેસ ઈંગ્રેજી