આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦


કોર્ટમાં ચાલશે તો આ વાતનો પુરાવો પાકો હીરાલાલના હાથમાં છે ને પુરાવો કોર્ટમાં મુકી, સરસ્વતીચંદ્રનું ખુન શા કારણથી થયું, અને કોણે કરાવ્યું એટલું પાકે પાયે સિદ્ધ કરી, આરોપ અને શિક્ષા કોને માથે પડવા દેવાં તેની ચિંતા અનુમાનો કરનાર ન્યાયાધીશને માટે હીરાલાલ ર્‌હેવા દેવાનો છે, પણ વિનાકારણ અમારા પ્રધાનજીના બાળકની ફજેતી ઈંગ્રેજી કોર્ટમાં અમે થવા દેનાર નથી !

ચંદ્ર૦– મ્હારા કામમાં મને પૂર્ણ આશ્રય આપ આપશો એવો હવે મને નિશ્ચય થયો. ચાલો, બોલોજી.

સર૦– હવે સરસ્વતીચંદ્રની વાત કરીયે, જો અર્થદાસનું ક્‌હેવું સત્ય હોય તો ત્રિભેટાના વડની પેલી પાસ ઘાસનું બીડ છે તેમાં ચન્દનદાસના સ્વારો સરસ્વતીચંદ્રને ઘસડી આણી પડેલો નાંખી ન્હાસી ગયા હતા.[૧] મણિમુદ્રા લેઈ દોડેલો અર્થદાસ રાત્રે એ વડની ડાળોમાં સંતાઈ રહેલો હતો, અને બ્હારવટીયાઓ રાત્રે એ જ વડતળે વાતે કરતા હતા, તે અર્થદાસે સાંભળી હતી. આપણા બે માણસ તે રાત્રે એ જ વડમાં હતા અને નીચેથી ઉંચા જતા ભડકાનું તેજ અર્થદાસના હાથમાંની વીંટીના હીરા ઉપર ચળકતું હતું[૨] તે એ બે માણસોએ જોયું હતું, બ્હારવટીયા, વેરાયા એટલે એ બે જણમાંથી એક જણ મનહરપુરીના મુખીને ખબર કરવા ગયું અને બીજું માણસ અર્થદાસની પાછળ પાછળ ચાલ્યું,[૩] અને તેમાંથી આ મુદ્રાનો પત્તો લાગ્યો છે. જે જગાએ અર્થદાસનો ને સરસ્વતીચંદ્રનો ભેટો થયો હતો ત્યાં પાણી અને ઘાબાજરીયાં છે, તેમાંથી પગલાં નીકળેલાં માર્ગ ઉપર જાય છે, અને ત્યાંથી બીજાં પગલાંઓ ભેગાં અદૃશ્ય થાય છે. જે ગાડામાં તેમણે પ્રવાસ કરેલો તે ગાડાવાળાને અર્થદાસે ઓળખાવ્યો છે અને તેમાં બધું લુટાતાં એક પોટકું રહી ગયેલું તેમાં કાગળો જોતાં એ સરસ્વતીચંદ્રનું લાગે છે.

“ એમ !”– ચંદ્રકાંતે હર્ષમાં આવી ઉદ્દાર કર્યો.

સર૦- હજી, અર્થદાસ ક્‌હેછે કે એની સ્ત્રીનું રક્ષણ કરવા સરસ્વતીચંદ્ર ગાડા બ્હાર કુદી પડ્યા તેવામાં એ પોટકું ગાડામાં રહી ગયું હશે.

“શું મ્હારા મિત્રે એટલું શૈાર્ય દેખાડ્યું ? – વાહ ! સરદારસિંહ, અર્થદાસ બોલે છે તો સત્યજ છે.” ચંદ્રકાંત વચ્ચે બેલ્યો.


  1. ભાગ ૨ પૃષ્ઠ ૧૦
  2. ભાગ ૨ પૃષ્ઠ ૪ પંક્તિ ૨૪-૨૫
  3. ભાગ ૨ પૃષ્ઠ ૧૫ પંક્તિ ૭