આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨

વેળાસર ક્‌હેજો. અમે અમારા ચાર મન્ત્રશોધકો – ડિટેક્‌ટિવ – મોકલીયે તેના કરતાં આપ આ મન્ત્ર વધારે સારી રીતે શોધી શકશો એટલું માત્ર લક્ષ્યમાં રાખજો કે અમને ક્‌હેવા જેવું નહી ક્‌હો અથવા વેળા વીત્યા પછી ક્‌હેશો તો અમારા હાથમાંથી વાત જતી ર્‌હેશે. કોઈ રંક માણસ માર્યો જશે, મુંબાઈમાં સરસ્વતીચંદ્રના પિતા અને મિત્રોની યોજનાઓ ઉપર પાણી ફરી વળશે અને સરસ્વતીચન્દ્ર અને કુમુદબ્હેનના શત્રુઓ વિષવાર્તાઓ ભર કોર્ટમાં નિર્ભય થઈ કરશે.

ચંદ્ર૦– તે વાતમાં તમને આશ્રય આપવો અને તમારો આશ્રય લેવો એ મ્હારો, નિ:શંક ધર્મ છે.

સર૦– એમજ. પણ બે વાત બીજીયે લક્ષ્યમાં રાખવાની છે. આપના શીવાય સરસ્વતીચન્દ્રની ભાળ બીજા કોઈને લાગી છે એમ માલમ પડશે તો એ મહાત્મા તમને પણ નહી મળે, અને સુવર્ણપુરમાં જ્યાં આવ્યા ત્યાં છે ત્યાંથી બીજે સ્થાને જશે. વળી એ ક્યાં છે એ કોઈ એવા માણસને માલમ પડશે અને તેની જીભ હાલશે તો હીરાલાલ જાણશે અને સરસ્વતીચન્દ્ર જીવતા માલુમ પડે તો એમને ગાયબ કરાવવા એવી એની પ્રતિજ્ઞા છે. માટે પણ આ વાત અત્યંત ગુપ્ત રાખવી અને માત્ર મને વેળાસર ક્‌હેવી કે તે જ્યાં હોય ત્યાં એમના રક્ષણમાટે હું વ્યવસ્થા કરી શકું. છેલી વાત આપને ક્‌હેવાની એ છે કે હીરાલાલ પાસેથી આ નાટક કોર્ટમાં ચ્હડે ત્યારે ચ્હડવા દેઈ, તે બદ્દલ કાંઈ પુરાવા આપે ત્યાર પ્હેલાં, સરસ્વતીચંદ્રને તે કોર્ટમાં પ્રત્યક્ષ કરી અને તેમને જીવતા સિદ્ધ કરી હીરાલાલની ફરીયાદને જડમૂળથી રદ્દ કરવી અને બીજો કાંઈ દુષ્ટ પુરાવો આપવાનો પ્રસંગ તોડવો. આવો મને સંકેત છે તે સિદ્ધ કરાવવા જેટલી સહાયતા તમે સરસ્વતીચંદ્ર પાસે આણી આપશો એટલે આ પોલીસને કે રાજ્યને એમને બીજા કોઈ પણ સંકોચ રાખવાનું કારણ નથી.

"મને લાગે છે કે આટલું હું કરી શકીશઃ ” ચંદ્રકાન્ત વિચાર કરતો કરતો બોલ્યો.

"ચન્દ્રકાન્તભાઈ, આપના ઘરમાં પણ હીરાલાલની ખટપટ છે તે ભુલશો માં,” સરદાર ઉઠતો ઉઠતો બોલ્યો.

“મ્હારા ઘરમાં ! ” ચંદ્રકાંત ચમક્યોઃ “મારા ગરીબના ઘરમાં તેને શું જડવાનું હતું ?”